ગોત્રીમાં આરોગ્ય વિભાગ દ્વારા ખાણીપીણીનું 15 લિટર પાણી અને 50 કિલો ભાજીનો નાશ કરાયો

ફૂડ સેફટી વિભાગ દ્વારા ગોત્રી કૃણાલ ચાર રસ્તા પાસે ખાણીપીણીની લારીઓ પર ચેકિંગ કરાયું

MailVadodara.com - 15-liters-of-drinking-water-and-50-kg-of-vegetables-destroyed-by-the-health-department-in-Gotri

- પાલિકાના આરોગ્ય વિભાગે 3 દુકાનો અને રજિસ્ટ્રેશન વગરની 10 જેટલી લારીઓ બંધ કરાવી હતી, પાલિકા દ્વારા કાર્યવાહી કરાતા ખાણીપીણીની લારીઓ ધારકોમાં ફફડાટ વ્યાપી ગયો

વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ફૂડ સેફટી વિભાગ દ્વારા શહેરના ગોત્રી કૃણાલ ચાર રસ્તા પાસે ખાણીપીણીની લારીઓ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન અખાદ્ય જણાઇ આવેલી પાણીપુરીનું પાણી 50 લિટર, 15 કિલો કલરવાળી ભાજી અને ચટણી સહિતના સામાનનો નાશ કરવામાં આવ્યો હતો અને 3 દુકાનો અને રજિસ્ટ્રેશન વગરની 10 જેટલી લારીઓ બંધ કરાવી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે, ભાજપાના કાઉન્સિલર શ્રીરંગ આયરેએ ગોત્રી કૃણાલ ચાર રસ્તા પાસે સરકારી જગ્યામાં ગેરકાયદેસર ખાણીપીણીની લારીઓ ઉભી રહેતી હોવાથી અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે. અને હપ્તાખોરી ચાલતી હોવાનો મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો હતો. જેના અનુસંધાનમાં પાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ સેફટી વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

આરોગ્ય વિભાગના અમલદાર ડો. મુકેશ વૈદ્યએ જણાવ્યું હતું કે, આજે ગોત્રી કૃણાલ ચાર રસ્તા પાસે રજિસ્ટ્રેશન વગરની ખાણીપીણીની લારીઓ અને આઇસ્ક્રીમ, પાઉંભાજી, આમલેટની દુકાનો ઉપર ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટરોની એક ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન 15 લિટર પાણીપૂરીનું પાણી અને 50 કિલો ભાજીનો સ્થળ ઉપર નાશ કર્યો હતો.

આ ઉપરાંત 3 દુકાનો અને રજિસ્ટ્રેશન વગરની 10 જેટલી લારીઓ બંધ કરાવી હતી. પાલિકા દ્વારા કાર્યવાહી કરાતા ખાણીપીણીની લારીઓ ધારકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

Share :

Leave a Comments