ટીમ ઇન્ડિયાની જીતની ઉજવણીમાં મારામારી કરનાર 12 સામે ગુનો નોંધી 10ની અટકાયત

માંડવી પાસે બે જૂથો વચ્ચે ઝઘડા બાદ છૂટા હાથની મારામારીનો વીડિયો વાઇરલ થયો હતો

MailVadodara.com - 12-booked-10-detained-for-brawling-during-Team-Indias-victory-celebration

- પોલીસે જાહેરમાં મારામારી કરી સુલેહ અને શાંતિનો ભંગ કરનાર 12 યુવકો સામે ગુનો નોંધીને 10 આરોપીની ધરપકડ કરી કાન પકડાવી માફી મંગાવી


ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલ મેચમાં ભારતનો ભવ્ય વિજય થયો હતો. વિજય ઉત્સવનો જશ્ન મનાવવા માટે મોટી સંખ્યામાં લોકો માંડવી પાસે ભેગા થયા હતા. તે દરમિયાન બે અલગ-અલગ જૂથો વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થતા જાહેરમાં બંને જૂથના યુવકો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. પોલીસે જાહેરમાં મારામારી કરી સુલેહ અને શાંતિનો ભંગ કરનાર 12 યુવકો સામે ગુનો નોંધીને 10 આરોપીની ધરપકડ કરી છે અને તેમના કાન પકડાવ્યા હતા.

અનાર્મ હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર શાંતીલાલે વાડી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, 9 માર્ચના રોજ ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલ મેચ રમાઈ હતી. જેમાં વડોદરા શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી આવીને લોકો માંડવી ગેટ પાસે આવીને ભારત ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં વિજય બન્યાની ખુશી મનાવી રહ્યા હતા, તે દરમિયાન કેટલાક ઇસમોએ અંદરો અંદર જાહેરમાં છુટા હાથની મારામારી કરી હતી. જેનો વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયોની ખરાઇ કરતા બનાવ રાત્રિના 10.30થી 11.30 વાગ્યાની માંડવી ગેટથી ગેંડીગેટ વચ્ચે સરૈયા નાથાલાલ એન્ડ સન્સ તથા સરૈયા બધર્સ નામની દુકાનની આગળ બન્યો હોવાનું જણાઈ આવ્યું હતું.

વીડીયોમાં દેખાતા ઇસમોની ખાતરી તપાસ કરતા તેમાં અનિકેત ઉર્ફે બુચીયો પ્રકાશભાઈ ચુનારા (રહે. વિઠ્ઠલવાડીની ઝુપડપટ્ટી, વડોદરા), પ્રેમ કહાર, પપ્પુ કહાર (રહે.દાંડીયા બજાર, વડોદરા), પવન સુનીલભાઈ ચુનારા (રહે.ડભોઇયા પોલીસ ચોકી પાસે, ચુનારાવાસ, વડોદરા), સચીન શાંતીલાલ ચુનારા (રહે. ડભોઇયા પોલીસ ચોકી પાસે ચુનારાવાસ, વડોદરા), હર્ષ ઉર્ફે બંબુ નયનભાઇ ચુનારા (રહે.બરાનપુરા, પેટ્રોલ પંપની સામે, વિઠ્ઠલવાડી, વડોદરા), અક્ષત વિષ્ણુભાઈ કહાર (રહે.શાંતીવન સ્કુલની પાછળ માળી મોહલ્લો, વડોદરા), પિયુષ સુરેશભાઈ કહાર (રહે.પાણીગેટ હરણખાના રોડ કહાર મોહલ્લો, વડોદરા), મુરલી પોપટભાઇ કહાર (રહે પાણીગેટ ભોઇવાડા રાજુ પેઇન્ટરની ગલી, વડોદરા), ધર્મેદ્ર ઉર્ફે સુનીલ ગંગાદીન કહાર, રૂદ્ર રમેશભ ઇ વણઝારા (રહે.આકાશવાણી, વુડાના મકાન, વડોદરા), કમલેશ શંકરભાઈ ચુનારા (રહે.ગાજરાવાડી, વડોદરા) તથા અન્ય ઇસમો જણાય આવ્યા હતાં.

આ તમામ આરોપીઓ સામે BNSની કલમ-194(2) મુજબ વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે વાડી પોલીસે 10 આરોપીઓની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે. વાડી પોલીસ સ્ટેશનના પીઆઇ જે.આર.ગામીતે જણાવ્યું હતું કે, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલ મેચમાં ભારતની જીતની ઉજવણી દરમિયાન મારામારી કરનાર 10 આરોપીની ધરપકડ કરી છે અને આમ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. અમારી અપીલ છે કે, આ પ્રકારે ઉજવણી દરમિયાન શાંતિ ભંગ ન કરવામાં આવે, શાંતિ ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.

Share :

Leave a Comments