સાવલીમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર મુખ્ય આરોપીને આજીવન કેદ સાથે 1 લાખનો દંડ

2023માં ડેસર પોલીસમાં 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ હતી

MailVadodara.com - 1-lakh-fine-along-with-life-imprisonment-to-the-main-accused-who-committed-rape-of-a-minor-in-Savli

- ત્રણ આરોપી પૈકી એકને નિર્દોષ તેમજ બીજા આરોપીને 12 વર્ષની સજા અને રૂપિયા 50 હજારનો દંડ ફટકાયો, ભોગ બનનારને 4 લાખનું વળતર ચૂકવવા ભલામણ

વડોદરા જિલ્લાના સાવલી પોકસો કોર્ટ દ્વારા ડેસર પોલીસ મથકમાં 2023ની સાલમાં સગીરાને ભગાડી લઈ જઈ દુષ્કર્મ આચારવાના પ્રકરણમાં ત્રણ આરોપી પૈકી એકને નિર્દોષ તેમજ એક આરોપીને 12 વર્ષની સજા અને રૂપિયા 50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે મુખ્ય આરોપીને આજીવન કેદની સખત સજા અને રૂપિયા 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે, ડેસર તાલુકાની 16 વર્ષની સગીરા પોતાના ખેતરમાં ગઈ હતી અને ઘરે પરત ન આવતા આખો દિવસ તપાસ કરવા છતાંય ભોગ બનનાર સગીરા મળી આવી ન હતી. આ અંગે ડેસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે તપાસ કરતા સગીરા છ દિવસ બાદ મળી આવી હતી.

પોલીસે સગીરાની પૂછપરછ કરતા તેણીએ જણાવ્યું હતું કે, ગામના નંબર 1 શંભુ શાંતિલાલ પરમાર દુમાડ ચોકડીથી વડોદરા ખાતે બાઈક પર બેસાડીને લઈ ગયો હતો. ત્યારબાદ આરોપી નંબર 2 કલ્પેશ નરવત પરમારે સંપર્ક કરીને સગીરાને એસટી ડેપો ખાતે બોલાવી હતી. ત્યારબાદ તેની પાસે રૂમની વ્યવસ્થા ન હોવાથી ફરી મળવાનું કહીને સગીરાને દુમાડ ચોકડી સુધી મૂકી ગયા હતા. આ દરમિયાન સગીરા દુમાડ ચોકડીથી ખાનગી વાહનમાં સાવલી ડેપો ખાતે ગઈ હતી. ત્યાં આરોપી નંબર 3 શૈલેષ ભગવાનસિંહ પરમાર સાથે મુલાકાત થઈ હતી અને સગીરાને ભોળવીને છૂટક વાહનોમાં પાવાગઢ ધાબાડુંગરી ખાતે લઈ ગયો હતો. ત્યાં હાલોલ ખાતે રૂમ ભાડે રાખીને ચાર દિવસ સુધી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેનો કેસ પોક્સો કોર્ટના જજ જે. એ. ઠક્કરની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સી. જી. પટેલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપી નંબર 1 શંભુ શાંતિલાલ પરમારને નિર્દોષ છોડી મૂક્યો હતો. જ્યારે આરોપી નંબર 2 કલ્પેશ નરવતસિંહ પરમારને ઇપીકો કલમ 363 તથા 366ના ગુનાના કામે દોષિત ઠેરવીને 5 વર્ષ તથા 7 વર્ષની સજા તથા બંને ગુનાઓમાં 25-25 હજારનો દંડ ફટકાર્યો હતો.

જ્યારે આરોપી નંબર 3 શૈલેષ ભગવાનસિંહ પરમાર (રહે. ગજાપુરા ચિકલાવ તા. ઠાસરા, જિલ્લો ખેડા)ને પોક્સો એક્ટની તેમજ ઈપીકોની વિવિધ કલમો મુજબ દોષિત ઠેરવીને આજીવન કેદની સજા અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવાનો હુકમ કર્યો હતો. તે સાથે આરોપી જે દંડની રકમ કોર્ટમાં ભરે તે રકમ ભોગ બનનારને વળતર તરીકે ચૂકવવા હુકમ કર્યો છે. જ્યારે ડિસ્ટ્રીક લીગલ સર્વિસ ઓથોરિટીને ભોગ બનનારને રૂપિયા 4 લાખનું વળતર ચૂકવવા ભલામણ કરી છે.

Share :

Leave a Comments