- બેભાન થયેલા કર્મચારીને હોસ્પિટલ ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યો
- કંપની ખાતે કર્મચારીઓએ હોબાળો બચાવતા અધિકારીઓએ પોલીસ રક્ષણની માગ કરી હતી
વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલી એપોથીકોન ફાર્માસ્યુટિકલ કંપનીમાં ગતરોજ (31 જાન્યુઆરી) સાંજના સમયે ગેસ લીક થતાં પાંચ કર્મચારીને અસર થઈ થઈ હતી. જેમાં બેભાન થયેલા કર્મચારીને હોસ્પિટલ ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યો હતો, જ્યારે ચાર વ્યક્તિની હાલ ICUમાં સારવાર ચાલી રહી છે. કંપની ખાતે કર્મચારીઓએ હોબાળો બચાવતા કંપનીના અધિકારીઓએ પોલીસ રક્ષણની માગ કરી હતી.
મળતી માહિતી પ્રમાણે, પાદરા-જંબુસર હાઇવે ઉપર એપોથેકોન ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની આવેલી છે જે જીવન રક્ષક દવાઓનું ઉત્પાદન કરે છે. શુક્રવાર સાંજના સમયે કંપનીના આરએનડી વિભાગની કિલો લેબમાં અચાનક એમોનિયા ગેસ લીક થયો હતો. ગેસ લીક થતાં પ્લાન્ટમાં કર્મચારીઓ ગભરાયા હતા અને બહાર દોડી ગયા હતા.
આ ઘટનામાં પાદરાના ડભાસા ગામનો 22 વર્ષે ધર્મેન્દ્ર સોલંકી બેભાન થઈ ઢળી પડ્યો હતો. જેને સારવાર માટે પાદરાની ક્રોસ રોડ હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં એને મૃત જાહેર કરાયો હતો. જ્યારે અન્ય ચાર કર્મચારી રાવુલ રાઠોડ, અર્જુન પઢિયાર, પ્રદીપસિંહ સિંધા અને ઈલેશ ગોવિલને પણ ગેસની અસર થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. હાલ તમામની ICUમાં સારવાર ચાલી રહી છે અને તેઓની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ બનાવ અંગે પાદરા પોલીસ મથકના PI વી. એ. ચારણે જણાવ્યું હતું કે, આ ઘટનાની જાણ થતા તાત્કાલિક અમે પહોંચ્યા હતા. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે અન્ય ચારની તબિયત સ્થિર છે. આ અંગે અમે વધુ તપાસ શરૂ કરી છે.