નિવૃત્ત બેંક ઓફિસરે પોતાના ઘરે ઉગાડ્યા દાડમ, ડ્રેગન ફ્રુટ, જમરૂખ, અંજીર, કેળા, સેતુર

વડોદરામાં હવે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી પણ થાય છે ટેરેસ ગાર્ડનિંગ

MailVadodara.com - Retired-bank-officer-grows-pomegranate-dragon-fruit-jamrukh-fig-banana-and-setur-at-his-home

- પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી કિચન ગાર્ડનિંગ કરી આ નિવૃત્ત ઓફિસર જરૂરત મુજબનું શાકભાજી ઉપજમાં લે છે 

- ૭૦૦ સ્ક્વેર ફુટ ટેરેસ પર ૭૦ જેટલા કુંડાથી શાકભાજી અને ફળોની માતબાર આવકથી જીવન અને પાક બન્ને સમૃદ્ધ 

સામાન્ય રીતે લોકોને એવી માન્યતા હોય છે કે ખેતી તો માત્ર મોટી જમીનમાં જ થઇ શકે, પણ આ માન્યતાને વડોદરાના એક નિવૃત્ત બેંક અધિકારીએ ખોટી ઠેરવી છે. તેમણે પોતાના ઘરમાં કિચન ગાર્ડનિંગ કરી પોતાની જરૂરિયાત મુજબનું શાકભાજી અને ફળોની ઉપજ લેવાનું શરૂ કર્યું છે. એટલું જ નહી, આ ગાર્ડનિંગ પણ સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી કરે છે. 


રીટાયરમેંટનો સમય એટલે જીવનનો સૌથી બેસ્ટ સમય. આ સમયને પોતાના જીવનમા બાકી રહેલા અધુરા સપનાઓ પુરા કરવા ઉપયોગ કરવામાં આવે છે ત્યારે છેલ્લા ચાર વર્ષથી શ્રી ભટ્ટ પોતાના ટેરેસના ૭૦૦ સ્ક્વેર ફુટ એરીયામા કુલ-૭૦ કુંડામા પ્રાકૃતિક ઢબે કિચન ગાર્ડનિંગ કરે છે. અને ક્યાંક જીવનમા ખેતી કરવાના પોતાના સ્વપ્નને કિચન ગાર્ડનિંગ થકી આત્મસંતોષ મેળવી રહ્યા છે. દર અઠવાડીયે અંદાજીત ચાર કિલોના શાકભાજી અને ફળોને હાર્વેસ્ટ કરી પરીવારને દવાઓથી સુરક્ષિત રાખી રહ્યા છે. 

શ્રી ભૂપેન્દ્રભાઇ ભટ્ટ અને તેમના ધર્મપત્નિ શ્રીમતી જયશ્રીબેન ભટ્ટ વાઘોડિયા સ્થિત પોતાના ઘરના ટેરેસ પર અવનવા શાકભાજી અને ફળોના છોડનું વાવેતર સિઝન અનુસાર કરે છે. હાલ રીંગણ,મરચા, કેપ્સીકમ, પાલક, મેથી, તાંદળજા, ટામેટા,લીંબુ, વેલાવાળા શાકભાજી જેમાં દુધી,તુરીયા,ગલકા,પાપડી, ટીંડોળા,એર પોટેટોના તંદુરસ્ત છોડ થકી પરીવારને દવા વગરનું તાજું શાકભાજી હાર્વેસ્ટ કરે છે. 


આ સાથે આવનાર સિઝન માટે ભીંડા, તરબુચ અને સક્કરટેટી જેવા અન્ય છોડની પણ વાવણી શરૂ કરી દીધી છે. ઉપરાંત તેમણે દાડમ, ડ્રેગન ફ્રુટ, જમરૂખ, અંજીર,કેળા,સેતુર પણ મોટા કુંડામાં તંદુરસ્ત છોડ ઉગાડ્યા છે. 

શ્રી ભૂપેન્દ્રભાઇ ભટ્ટ આ અંગે જણાવ્યુ હતું કે, કિચન ગાર્ડનિંગ અપનાવવાથી આનંદ આવવાની સાથે સાથે દવા રહિત શાકભાજી આરોગવા મળે છે. ગાર્ડનના કામથી સમયનો સદઉપયોગ અને શારીરિક કસરત પણ થઇ જાય છે. મન પ્રફુલ્લિત રહે છે અને વ્યસ્ત રહેવાય છે. અને ગાર્ડનમા થતી મહેનતના કારણે ખેડૂતોની મહેનત પ્રત્યે આદરભાવમા વધારો થયો છે અને અન્ન શાકભાજી ન બગાડવા માટે પણ અમે જાગૃત થયા છે. 


તેમણે ઉમેર્યું કે, ટેરેસ પર ગાર્ડનિંગ કરતા હોવાથી માટીની સાથે હસ્ક એટલે કે પરાળ અથવા ભાતના છોડાને મિક્ષ કરવુ જોઇએ જેનાથી છોડને પોષણ મળવાની સાથે છોળના મુળ સારી રીતે ફેલાઇ શકે છે અને કુંડા ઉચકવામા પણ સરળ રહે છે. તેઓ નજીકની ગૌશાળામાંથી છાણ અને ગૌમુત્ર લઇ આવે છે અને ઘરે પોતે જ જીવામૃત,જીવામૃત, ઘનજીવામૃત, અને જંતુનાશક બનાવી ગાર્ડનમા ઉપયોગ કરે છે. 

શ્રી ભટ્ટએ આત્મા વિભાગ અને બાગાયત વિભાગ દ્વારા એક દિવસીય કિચન ગાર્ડનિંગની તાલીમ લીધી જેમા તેઓને કિચન ગાર્ડનિંગના બેસિક કોંસેપ્ટનો ખ્યાલ આવ્યો હતો. જેનું મહત્વ સમજી તેમણે શાકભાજી ઉગાડવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના પ્રાકૃતિક ખેતીના પુસ્તકને ગ્રંથ તરીકે અનુસરી આજે શ્રી ભટ્ટ કિચન ગાર્ડન સાથે ગૌમુત્રના ઉપયોગથી જીવામૃત, ઘનજીવામૃત, અને જંતુનાશક બનાવવાના એક્સ્પર્ટ બની ગયા છે.  


રસોડાના ભીના કચરાના ઉપયોગથી ઘર બેઠા કોમ્પોસ્ટ અને તામ્ર છાશ પણ ઘરે જ બનાવી ગાર્ડનમા ઉપયોગ કરે છે. આટલુ જ નહિ ઘરે ઉગાડેલી હળદળને સુકવી આખા વર્ષ માટે હળદળનો પાવડર ભરી વેલ્યુએડીશનનો પણ લાભ લે છે. પોતે આ તમામ ચીજ વસ્તુઓના ઉપયોગની સાથે સાથે આસપાસ અને મિત્રોને પણ પ્રાકૃતિક ખેતી અપનાવવા મદદ કરે છે. 

નિવૃતિ જીવનનો અંત નહી પણ એક નવી શરૂઆત છે ત્યારે શ્રી ભટ્ટ જીવનને પ્રાકૃતિક ખેતીમા વ્યતિત કરી જીવનને સુખશાંતીનો પર્યાય બનાવ્યો છે. તેમણે દરેક નિવૃત વ્યક્તિ અને જેમણી પાસે પોતાની જમીન નથી તેવા લોકોને પોતાના પરિવારને દવા વગરનું શાકભાજી ઘરે જ ઉગાડવા અને ટેરેસ પર કુંડામા પ્રાકૃતિક ખેતી થકી કિચન ગાર્ડનિંગ કરવા અનુરોધ કર્યો હતો.

Share :

Leave a Comments