- ડેસર તાલુકાના ઈટવાડા સ્થિત ખેતરમાં 2017થી રસાયણમુક્ત ખેતી, આજે 125થી વધુ ખેડૂતોને આપી રહ્યા છે માર્ગદર્શન
- ચાર વિઘા જમીનમાં પંચસ્તરિય પદ્ધતિ પ્રાકૃતિક ખેતી આરોગ્ય, શાંતિ અને આત્મસંતોષનું સ્ત્રોત બની

આજના સમયમાં જ્યારે ખેતીમાં વધતો ખર્ચ, રસાયણો પર વધતી નિર્ભરતા અને માટીની ઘટતી તંદુરસ્તી ખેડૂતો માટે મોટો પ્રશ્ન બની ગઈ છે, ત્યારે ડેસર તાલુકાના ડુંગરીપુરા ગામના પ્રભાતભાઈ લક્ષ્મણભાઈ ભોઈ ઈટવાડા સ્થિત એમના ખેતરમાં પ્રાકૃતિક ખેતી દ્વારા એક નવી દિશા બતાવી રહ્યા છે. વર્ષ ૨૦૧૭થી તેઓ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીને માત્ર પોતાનું જીવન નહીં, પરંતુ અનેક ખેડૂતોનું ભવિષ્ય પણ બદલવા પ્રયત્નશીલ છે.
પ્રભાતભાઈ અને તેમની પત્ની આજે પ્રકૃતિની નજીક, ખેતરમાં ઉગાડેલા શુદ્ધ અને રસાયણમુક્ત અન્ન પર આધારિત સરળ પરંતુ સંતોષકારક જીવન જીવી રહ્યા છે. ખેતી તેમના માટે માત્ર આવકનું સાધન નથી, પરંતુ આરોગ્ય, શાંતિ અને આત્મસંતોષનું સ્ત્રોત બની છે.

પ્રભાતભાઈ પોતાની ચાર વિઘા જમીનમાં પંચસ્તરિયા પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી કરે છે. આ પદ્ધતિમાં માટીનું આરોગ્ય, જૈવવિવિધતા, પશુપાલન અને પરંપરાગત જ્ઞાનનો સુમેળ જોવા મળે છે.ગાય તેમની ખેતીનું કેન્દ્રબિંદુ છે. ગાયમાંથી મળતા ગોબર અને મૂત્રથી તેઓ જીવામૃત, ઘંજીવામૃત અને કુદરતી જંતુનાશકો તૈયાર કરે છે. રાસાયણિક ખાતર અને દવાઓનો સંપૂર્ણ ત્યાગ કરીને તેમણે ખેતીનો ખર્ચ નોંધપાત્ર રીતે ઘટાડ્યો છે અને સાથે જ જમીનની ઉપજ શક્તિમાં વધારો કર્યો છે.

૨૦૧૭માં વડતાલ ખાતે યોજાયેલ તાલીમ શિબિરમાં ભાગ લીધા બાદ પ્રભાતભાઈએ પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો નિર્ણય કર્યો હતો. તેમણે વિવિધ ફળો અને શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું. આ સાથે, ૫૦૦ ચોરસ ફૂટ વિસ્તારમાં નર્સરી વિકસાવી, જ્યાં તેઓ વિવિધ પ્રકારની શાકભાજી ઉગાડીને તેઓ રોજિંદી આવક મેળવી શકે તેવી ખેતીનું આયોજન કરે છે. ઉલ્લેખનીય છે કે, આ નર્સરી તેઓએ સ્વ રોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ અંતર્ગત સહાય મેળવીને વિકસાવી છે.ગામ તથા આસપાસના વિસ્તારના લોકો ખેતર પર આવીને સીધું જ બજાર ભાવે ઉત્પાદન ખરીદે છે.પ્રભાતભાઈ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર અને વિવિધ પાક સબસિડી યોજનાઓના લાભાર્થી પણ છે.

પ્રભાતભાઈ કહે છે, પ્રાકૃતિક ખેતીથી મને સારું સ્વાસ્થ્ય, સ્થિર આવક અને નિશ્ચિત ભવિષ્ય મળ્યું છે.વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરતાં તેમની જમીન જીવંત બની છે. માટી વધુ છિદ્રાળુ થઈ છે, પાણી જાળવવાની ક્ષમતા વધી છે અને પાકની ગુણવત્તા સ્થિર રહી છે. સૌથી મહત્વનું એ છે કે રસાયણમુક્ત ખોરાકથી તેમના પરિવારના સ્વાસ્થ્યમાં સકારાત્મક ફેરફાર આવ્યો છે. પ્રાકૃતિક ખેતીથી તેમને માનસિક શાંતિ પણ મળી છે, જે આજના સમયમાં ખૂબ જ કિંમતી છે.આર્થિક રીતે પણ આ પદ્ધતિ ખૂબ લાભદાયક સાબિત થઈ છે અને એમણે પોતાના અનુભવ અન્ય ખેડૂતો સાથે વહેંચવાની તક આપી છે.

પ્રભાતભાઈ આત્મા પ્રોજેક્ટ સાથે સક્રિય રીતે જોડાયેલા છે અને હાલમાં ત્રણ ગ્રામ પંચાયતોના આશરે ૧૨૫ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે માર્ગદર્શન આપી રહ્યા છે. આ તાલિમ થકી તેઓ અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રોત્સાહિત કરે છે.તેમનું ખેતર આજે એક લર્નિંગ સેન્ટર બની ગયું છે. ખેડૂતો, તાલીમાર્થીઓ અને મુલાકાતીઓનું તેઓ અને તેમની પત્ની હૃદયપૂર્વક સ્વાગત કરે છે. તેઓ સ્વાસ્થ્ય અને સાદગી પ્રાકૃતિક ખેતીને માત્ર એક પદ્ધતિ નહીં, પરંતુ એક જીવનશૈલી તરીકે રજૂ કરે છે.


