લંડનના સપનાથી માટીના મૂળ સુધી ડભોઈના ખેડૂતની પ્રાકૃતિક ખેતીથી સફળતાની સફર

ખેતી માત્ર રોજગાર નથી, પરંતુ સમાજ પ્રત્યેની જવાબદારી છે

MailVadodara.com - From-London-dreams-to-the-roots-of-the-soil-a-Dabhoi-farmers-journey-to-success-through-natural-farming

આજના સમયમાં જ્યાં મોટા ભાગના યુવાનો વિદેશમાં કારકિર્દી બનાવવાના સપના જુએ છે, ત્યાં ડભોઈ તાલુકાના સેગુવાડા ગામના ભદ્રેશભાઈ ભોગીલાલ પટેલે અલગ જ માર્ગ પસંદ કર્યો. લંડનમાં ઉજ્જવળ ભવિષ્ય છોડીને તેઓ પોતાની માટી અને પોતાના ગામ તરફ પરત ફર્યા અને આજે છેલ્લા નવ વર્ષથી પ્રાકૃતિક ખેતી દ્વારા સફળતા હાંસલ કરી રહ્યા છે.

લગભગ ૩૦ વિઘા જમીનમાં તેઓ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરે છે. રાસાયણિક ખાતરોને બદલે તેઓ બહુપાક પદ્ધતિ અપનાવે છે. તેમના ખેતરમાં ચોખા, ઘઉં, ચણા, જુવાર, મકાઈ જેવી અન્નફસલો સાથે કેરી જેવા ફળો અને ટામેટા, કોબી, રીંગણ, લેટીસ, બ્રોકોલી, ડુંગળી, મૂળા જેવી શાકભાજી ઉગાડવામાં આવે છે. ઉપરાંત મેથી, પાલક અને ધાણા જેવા પાંદડાવાળા શાકભાજી પણ ઉગાડે છે. આ રીતે તેમનું ખેતર ફક્ત ઉત્પાદન પૂરતું નહીં, પરંતુ એક ટકાઉ અને સ્વસ્થ પર્યાવરણનું ઉત્તમ ઉદાહરણ બની ગયું છે.


વર્ષ ૨૦૨૦થી તેઓ ATMA સાથે જોડાયેલા છે અને હાલમાં સ્થાનિક બજારમાં પોતાની ઉપજ વેચીને દર વર્ષે અંદાજે રૂ.૧૫થી રૂ.૨૦ લાખ સુધીની આવક મેળવે છે. તેમના ખેતરમાં ૭૦થી વધુ ગાયો છે. દૂધ અને ઘી દ્વારા વધારાની આવક થાય છે, જ્યારે ગાયનું છાણ, ગૌમૂત્ર અને છાસનો ઉપયોગ જીવામૃત અને ઘનજીવામૃત બનાવવા માટે થાય છે, જે જમીનને પ્રાકૃતિક રીતે પોષણ આપે છે.


પરંતુ આ સફળતાની પાછળ એક ભાવનાત્મક કારણ પણ છે. ભદ્રેશભાઈએ કહ્યું, કે તેમના પિતાને લીવરની ગંભીર બીમારી હતી અને ૨૦૧૬માં તેમનું ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. તે સમયે તેઓ લંડનમાં અભ્યાસ કરતા હતા. ડોક્ટરોએ જણાવ્યું કે લાંબા સમય સુધી જંતુનાશકવાળા ખોરાકના સેવનને કારણે લીવર પર અસર પડી હતી. આ ઘટનાએ ભદ્રેશભાઈનું જીવન જ બદલી નાખ્યું. પિતાની તબિયત પછી તેમણે માત્ર ૪૫ દિવસમાં ચારથી પાંચ રાજ્યોમાં જઈ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મળ્યા અને શીખ્યા. પરિવારના આરોગ્ય માટે શરૂ થયેલી આ યાત્રા સ્વસ્થ અને પ્રાકૃતિક ખોરાક ઉગાડવાનો સંકલ્પ બની ગઇ છે.


આજે ભદ્રેશભાઈ પટેલની સફર બતાવે છે કે, ખેતી માત્ર રોજગાર નથી, પરંતુ સમાજ પ્રત્યેની જવાબદારી છે. તેમણે સુવિધા અને વિદેશી જીવનશૈલી કરતાં ટકાઉપણું અને સ્વદેશી માટીને પસંદ કરી. તેમની કહાની ગ્રામીણ યુવાનો માટે પ્રેરણા છે કે સફળતા માટે વિદેશ જવું જરૂરી નથી.ક્યારેક સાચું ઉજ્જવળ ભવિષ્ય પોતાની જ જમીનમાં મૂળ ધરાવે છે.


Share :

Leave a Comments