ડભોઇ રોડ પર વેસ્ટ ફર્નિચરની ત્રણ દુકાનમાં લાગેલી આગ 5 કલાકની ભારે જહેમતે કાબૂમાં

વહેલી સવારે ફાયરની ગાડીઓના સાયરન ગુંજતા આસપાસમાં રહેતા લોકોમાં ફફડાટ ફેલાયો

MailVadodara.com - Fire-in-three-waste-furniture-shops-on-Dabhoi-Road-brought-under-control-after-5-hours-of-intense-effort

- સાત ફાયર સ્ટેશનની 12 જેટલી ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો

- આગ ત્રણ દુકાનમાં પ્રસરતા વિકરાળ રૂપ ધારણ કર્યું, પાંચ કલાક પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં આવી

- આગ લાગવાનું કારણ અકબંધ, બનાવ સ્થળેથી બે સિલેન્ડર મળ્યાં

આજે વહેલી સવારે વડોદરા શહેરના ડભોઇ રોડ સોમા તળાવ નજીક ગણેશનગર વિસ્તારમાં લાકડાની ત્રણ દુકાનમાં આગનો બનાવ સામે આવ્યો હતો. આગે જોત જોતામાં ભયાનક રૂપ ધારણ કરતા વડોદરા ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગની એક બાદ એક સાત ફાયર સ્ટેશનની 12 ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ આગના બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

આજે વહેલી સવારે બનેલી આગની ઘટનામાં વેસ્ટ ફર્નિચરનો વેપાર કરતા વેપારીની ત્રણ દુકાનમાં આગ પ્રસરતા આગે વિકરાળરૂપ ધારણ કર્યું હતું. જેને લઈ આસપાસના લોકોના જીવ તળાવે ચોંટ્યા હતા. વહેલી સવારે ફાયરની ગાડીઓના સાયરન ગુંજતા આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આ આગના બનાવને લઈ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની દાંડિયાબજાર, વડીવાડી, પાણીગેટ, ગાજરાવાડી, વાસણા, જીઆઇડીસી, ટીપી 13 ફાયર સ્ટેશનની 12 ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. પતરાનો શેડ તોડી અને આગને કાબૂમાં લીધી હતી.

આ અંગે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગના ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલે જણાવ્યું હતું કે, આ આગ અંગેનો કોલ રાત્રે ત્રણ વાગ્યે મળ્યો હતો. એક બાદ એક ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ લાકડાના ફર્નિચરના વેસ્ટ મટીરીયલમાં લાગી હતી. અહીંયા ત્રણ દુકાનમાં આગ પ્રસરી હતી. 

પાંચ કલાકની ભારે જહમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. અહીંયા પતરાના શેડ હોવાથી તેને હટાવવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી અને ત્યારબાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં આવ્યો હતો. આ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ બનાવ સ્થળેથી બે સિલેન્ડર મળી આવ્યા હતા.

Share :

Leave a Comments