- પોલીસે અજાણ્યા મૃતકની ઓળખ મેળવવા તેમજ મૃત્યુના કારણની વધુ તપાસ હાથ ધરી
વડોદરા શહેરના સોમા તળાવ બ્રિજ નીચે આવેલા ઘાઘરેટીયા વિસ્તારમાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. મૃતદેહ મળતાં આજુબાજુના વિસ્તારના લોકો દોડી આવ્યા હતા. પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઘટનાની જાણ થતાં મકરપુરા પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળે દોડી આવી હતી. બાદમાં 108ની ટીમને કોલ કરી બોલાવી હતી જો કે તે મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસે મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. આ અજાણ્યા યુવક કોણ છે અને કઈ રીતે તેનું મોત થયું તે માટે પોસ્ટમોર્ટમ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હાલ પોલીસે અજાણ્યા મૃતકની ઓળખ મેળવવા તેમજ મૃત્યુના કારણની વધુ તપાસ હાથ ધરી છે. અનુમાન મુજબ મૃતકની ઉંમર 35 થી 40 વર્ષ વચ્ચે છે. આ યુવક બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. આ અંગે મકરપુરા પીઆઈ એએમ ગોહિલે જણાવ્યું હતું કે, હાલમાં આ અજાણ્યો પુરુષ કોણ છે તે બાબતે જાણી શકાયું નથી. આ યુવક અહીં ક્યાંથી આવ્યો અને મૃત્યુ કઈ રીતે થયું તે દિશામાં તપાસ ચાલી રહી છે. આ યુવકના મૃતદેહ પરથી કોઈ ઈજાના નિશાન મળ્યા નથી.


