- નરહરિ હોસ્પિટલથી કાલાઘોડા વચ્ચે 2 કિમીમાં સૌથી વધુ 103 મગર દેખાયાં, અન્ય વિસ્તારોનું એનાલિસિસ હજુ પણ ચાલુ
- મગરોની ગણતરીમાં ઝૂઓલોજી વિભાગના 30 વોલિન્ટિયર, વન વિભાગના કર્મચારીઓ અને NGOના વોલિન્ટિયર પણ કામગીરીમાં જોડાયા હતા
વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં રહેતા મગરોની ગણતરી 7 ફેબ્રુઆરી, 2026ના રોજ હાથ ધરવામાં આવી હતી. આ ગણતરી મુજબ વિશ્વામિત્રી નદીમાં કુલ 417 મગરો નોંધાયા છે. ખાસ કરીને નરહરિ હોસ્પિટલથી કાલાઘોડા વચ્ચેના માત્ર 2 કિમીના વિસ્તારમાં સૌથી વધુ 103 મગરો જોવા મળ્યા હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2025માં કરવામાં આવેલી ગણતરીમાં 442 મગરોની સંખ્યા નોંધાઈ હતી, પરંતુ તે સમયે શહેરના તળાવોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. જ્યારે 2026ની તાજી ગણતરીમાં માત્ર વિશ્વામિત્રી નદીનો જ સમાવેશ કરવામાં આવ્યો છે.

MS યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના ઝૂઓલોજી વિભાગના પ્રોફેસર ડો. રણજીતસિંહ દેવકરે જણાવ્યું હતું કે, આ વખતે મગરોની ગણતરી અત્યંત ઝીણવટભરી અને વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવી છે. હાલ ડેટા શીટ્સ મળવાની પ્રક્રિયા ચાલુ છે અને સંપૂર્ણ એનાલિસિસ બાકી છે, જોકે પ્રાથમિક આંકડાઓ સામે આવી ચૂક્યા છે.
તેમણે જણાવ્યું કે, વર્ષ 2020માં થયેલી ગણતરીમાં મગરોની સંખ્યા 212 હતી, જે 2025માં વધીને 442 સુધી પહોંચી હતી. 2026ની ગણતરી મુજબ નોંધાયેલા 417 મગરો અગાઉના આંકડાની નજીક હોવાનું જણાય છે.
ડેટા અનુસાર નરહરિ હોસ્પિટલથી કાલાઘોડા વચ્ચેનો વિસ્તાર મગરોની સૌથી વધુ ઘનતા ધરાવતો હોવાનું સામે આવ્યું છે, જ્યાં કુલ 103 મગરો નોંધાયા છે. અન્ય વિસ્તારોનું વિશ્લેષણ હજુ ચાલી રહ્યું છે અને સમગ્ર રિપોર્ટ આગામી 10થી 15 દિવસમાં તૈયાર કરવામાં આવશે.

પ્રોફેસર દેવકરે વધુમાં જણાવ્યું હતું કે, વડોદરાને કલાનગરી અને સંસ્કારનગરી તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ શહેરને મગરનગરી અથવા ક્રોકોડાઈલ સિટી તરીકે પણ ઓળખ આપી શકાય. વિશ્વમાં ભાગ્યે જ એવું કોઈ શહેર હશે જ્યાં લાખો લોકોની વચ્ચે, શહેરની મધ્યમાંથી પસાર થતી નદીમાં મગરોની આટલી મોટી અને સ્વસ્થ પ્રજનન ક્ષમતા ધરાવતી વસતી જોવા મળે.
તેમણે કહ્યું કે, મેક્સિકો, નાઈલ નદી અને ઓસ્ટ્રેલિયા જેવા વિસ્તારોમાં મગરો જોવા મળે છે, પરંતુ ઘનવસ્તી ધરાવતા શહેરના મધ્યભાગમાં મનુષ્યો સાથે નજીકના સહઅસ્તિત્વ સાથે મગરોની મોટી સંખ્યા હોવી એ વડોદરાની એક અનોખી ઓળખ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને લક્ષ્મી વિલાસ પેલેસ જેવા પર્યટન સ્થળો સાથે જોડીને આ વિશેષતાનો ટુરિઝમ સર્કિટ તરીકે વિકાસ કરી શકાય.

આ મગર ગણતરી MS યુનિવર્સિટીના ઝૂઓલોજી વિભાગ અને વન વિભાગના સંયુક્ત પ્રયત્નો દ્વારા કરવામાં આવી હતી. આ કામગીરીમાં ઝૂઓલોજી વિભાગના 30 વોલિન્ટિયર, વન વિભાગના કર્મચારીઓ તેમજ NGOના વોલિન્ટિયરોએ ભાગ લીધો હતો. ગણતરી સવારે 9થી 11 અને રાત્રે 8થી 10 વાગ્યા દરમિયાન કરવામાં આવી હતી. દિવસ દરમિયાન ડાયરેક્ટ સાઈટીંગ પદ્ધતિ અપનાવવામાં આવી હતી, જ્યારે રાત્રે ટોર્ચના પ્રકાશમાં મગરોની આંખોની ચમકના આધારે ગણતરી કરવામાં આવી હતી.
વિશ્વામિત્રી નદીના વડોદરા શહેરમાં આવેલા આશરે 25 કિમીના પટને 10 ઝોનમાં વહેંચીને આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.


