- રોકાણ કરાવ્યા બાદ યુવકના એકાઉન્ટમાં રૂપિયા 39 લાખથી વધુ નફો બતાવ્યો, પરંતુ રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો તો માત્ર રૂ. 16 હજાર જ પરત મળ્યા હતા, બાદમાં ઠગો ગાયબ
વડોદરા શહેરના યુવકને IPO અને શેર બજારમાં નફો કમાવવાની લાલચ આપી સાયબર ઠગોએ 26.05 લાખની ઠગાઈ કરી છે. નકલી વેબસાઈટમાં રોકાણ કરેલા નાણાં નફા સાથે 39 લાખ રૂપિયા યુવકને બતાવતા હતા, પણ માત્ર 16 હજાર રૂપિયા પરત કર્યા બાકીના નાણાં પરત કર્યા નહોતાં. જેથી યુવકે આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
વડોદરાના બિલ વિસ્તારમાં રહેતા 40 વર્ષીય યુવકે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ જિઓમાં ડિલિવરીની નોકરી કરે છે. તા. 12 ડિસેમ્બર 2025ના રોજ સોશિયલ મીડિયા પર બ્રહ્મી કપસિયા નામની યુવતી સાથે તેમની ઓળખાણ થઈ હતી. યુવતીએ શેરબજાર અને IPOમાં રોકાણ કરીને મોટો નફો કમાઈ શકાય તેવી લાલચ આપી હતી અને વધુ માહિતી મેળવવા માટે વોટ્સએપ નંબર આપ્યો હતો.
યુવક આ વોટ્સએપ ગ્રુપમાં જોડાયો હતો, ત્યારબાદ તેમાં અલગ-અલગ IPO વિશે માહિતી આપવામાં આવતી હતી. સાયબર ઠગોએ નકલી વેબસાઈટ પર એકાઉન્ટ બનાવ્યું હતું અને શરૂઆતમાં 16 હજાર રૂપિયા પરત આપ્યા હતાં. યુવકનો વિશ્વાસ થઈ ગયો હતો, જેથી યુવક લલચાઈ ગયો હતો અને મોટા રોકાણ માટે તૈયાર થઈ ગયો હતો. યુવકે અલગ-અલગ તારીખે પોતાના બેંક ખાતામાંથી 26.05 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
રોકાણ કરાવ્યા બાદ યુવકના એકાઉન્ટમાં 39 લાખથી વધુ નફો દર્શાવવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે તેણે રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે માત્ર રૂ. 16 હજાર જ પરત મળ્યા હતા. ત્યારબાદ આરોપીઓનો સંપર્ક થઈ શક્યો નહોતો. જેથી યુવકે આ મામલે 26.05 લાખની છેતરપિંડીની ફરિયાદ વડોદરા સાયબર પોલીસ સ્ટેશનમાં કરી છે. જેને આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.


