રાવપુરા ટાવર ચાર રસ્તા પર વૈભવી કાર ડિવાઇડર કૂદી સિગ્નલના પોલ સાથે અથડાઇ, કારચાલક ફરાર

રેન્જરોવરના ચાલકે મોડી રાત્રે બેફામ કાર ચલાવી અકસ્માત સર્જ્યો, ઘટના સીસીટીવીમાં કેદ

MailVadodara.com - luxury-car-jumped-the-divider-at-the-near-Raopura-Tower-and-crashed-into-a-signal-pole

- કારની ટક્કરથી વીજપેટીને નુકસાન, કારના આગળના ભાગના કુરચેકુરચા ઊડી ગયા

- કારની ટક્કર એટલી જોરદાર હતી કે કારનું એક ટાયર પણ નીકળી ગયું હતું, રાવપુરા પોલીસે બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ અને સરકારી મિલકતને નુકસાન બદલ ગુનો નોંધ્યો


વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા ટાવર ચાર રસ્તા પર ઝુબેલીબાગ તરફથી રાવપુરા તરફ જઈ રહેલી એક વૈભવી કારનો અકસ્માત થયો છે. રેન્જરોવરના ચાલકે બેફામ કાર ચલાવી ભયાનક અકસ્માત સર્જ્યો હતો. કાર ડિવાઈડર કૂદીને ટ્રાફિક સિગ્નલ પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે કારનું એક ટાયર પણ નીકળી ગયું. આ સાથે જ કારની એરબેગ પણ ખૂલી ગઈ હતી. અકસ્માત બાદ કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું પોલીસે જણાવ્યું છે.


ઘટનાની જાણ થતાં રાવપુરા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ તાત્કાલિક ગુનો નોંધ્યો છે. ટ્રાફિક સિગ્નલને થયેલા નુકસાન અંગે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. કારચાલક ઘટના બાદ ફરાર થઈ ગયો છે. ટ્રાફિક સિગ્નલ સાથે ટક્કર થતાં આખો પોલ ઊખડી ગયો હતો અને રેન્જરોવર કારની દિશા પણ બદલાઈ ગઈ હતી.


પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ રેન્જરોવર કાર એક વર્ષ પહેલાં વેચી દેવામાં આવી હતી. વેચાણના આધારે પોલીસે કારચાલકની શોધખોળ હાથ ધરી છે અને તેને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વૈભવી કારના આગળના ભાગના કુરચેકુરચા ઊડી ગયા હતા.


ઉલ્લેખનીય છે કે, આ ભયાનક અકસ્માત અંગે રાવપુરા પોલીસે સરકારી મિલકતને નુકસાન બદલ હાલમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કારચાલક નશામાં હતો કે કેમ? કારની સ્પીડ કેટલી હતી અને કયા કારણોસર અકસ્માત થયો? એ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


Share :

Leave a Comments