- વીડિયો કોલ પર પોલીસ અધિકારીની ઓળખ આપી, પોલીસ ઓફિસના લોગો દેખાડ્યા, બેંક ખાતાઓમાંથી 1 કરોડ 82 લાખ 66 હજારની રકમ તેમના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી
- તમારા નામનું સિમકાર્ડ આતંકવાદી પ્રવૃત્તિમાં વપરાયું છે, જેમાં 39 કેસ નોંધાયેલા છે, તેનાથી રૂપિયા 243 કરોડનું મની લોન્ડરિંગ થયું કહી ઠગોએ સિનિયર સિટીઝન મહિલાને છેતરી
નકલી પોલીસ અધિકારીઓ બનીને સાયબર ઠગોએ 15 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખીને વડોદરા શહેરના સિનિયર સિટીઝન મહિલા સાથે રૂપિયા 1 કરોડ 82 લાખ 66 હજારની છેતરપિંડી આચરી છે. આ મામલે પીડિત સિનિયર સિટીઝન મહિલાએ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
65 વર્ષીય સિનિયર સિટીઝન મહિલાની ફરિયાદ પ્રમાણે ગત 4 ડિસેમ્બરના રોજ સવારે આશરે 11 વાગ્યે મહિલાને ફોન આવ્યો હતો. જેમાં કોલ કરનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે, તેમના આધાર કાર્ડના આધારે સિમ કાર્ડ ખરીદવામાં આવ્યું છે અને તેના પર 39 કેસ નોંધાયેલા છે. ત્યારબાદ તેમને મુંબઈના કોલાબા પોલીસ સ્ટેશનના નામે પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપ રાવ સાથે વાત કરાવવામાં આવી હતી.
ઠગોએ વોટ્સએપ પર વીડિયો કોલ કરીને પોલીસ યુનિફોર્મ પહેરેલા વ્યક્તિ તરીકે પોતાની ઓળખ આપી હતી અને પાછળ પોલીસ ઓફિસના લોગો દેખાડ્યા હતા. તેમણે મહિલાનું આધાર કાર્ડ માંગ્યું હતું અને નકલી આઈડી કાર્ડ તેમજ સુપ્રીમ કોર્ટની નોટિસના દસ્તાવેજો મોકલીને ડરાવ્યા હતા. મહિલાને તેમના ઘરમાં જ એરેસ્ટ કરવામાં આવી હોવાનું જણાવી લેખિત હુકમનામું વોટ્સએપ પર મંગાવ્યું હતું અને રોજ સવારે મેસેજ કરવાનો આદેશ આપ્યો હતો.
8 ડિસેમ્બરે ઠગોએ મહિલાને જણાવ્યું હતું કે, તેમના નામે લેવાયેલું સિમકાર્ડ આતંકવાદી ઓ.એમ. સાલમના કેસમાં વપરાયું છે અને તેના દ્વારા રૂ. 243 કરોડનું મની લોન્ડરિંગ થયું છે. તેમણે નકલી બેંક સ્ટેટમેન્ટ મોકલીને પીડિતાને તેમના મ્યુચ્યુઅલ ફંડ, એફડી અને અન્ય રોકાણોની માહિતી મંગાવી હતી. આરબીઆઈના ખાતામાં પૈસા જમા કરાવીને કેસમાંથી છૂટકારો મળશે અને પૈસા પરત મળી જશે તેવું કહીને પીડિતાને ધમકાવી હતી.
આ પછી 11થી 16 ડિસેમ્બર દરમિયાન અલગ-અલગ તારીખે પીડિતાના વિવિધ બેંક ખાતાઓમાંથી કુલ રૂ. 1 કરોડ 82 લાખ 66 હજારની રકમ તેમના ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી હતી. ઠગોએ દરેક ટ્રાન્સફરની રસીદ પીડિતાને વોટ્સએપ પર મોકલી વિશ્વાસ મેળવ્યો હતો. 18 ડિસેમ્બરે એફડી તોડાવવા માટે દબાણ કરતાં પીડિતાને શંકા ગઈ અને તેમણે પરિવારજનોને જણાવતાં છેતરપિંડીની વાત સામે આવી હતી, ત્યારબાદ સિનિયર સિટીઝન મહિલાએ તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.


