- યુવતીને વીજ કરંટ લાગતા મૂળ દાહોદના અને તરસાલીમાં ક્લિનિક ચલાવતા ડોક્ટરને ત્યાં સારવાર લેવા ગઈ હતી, બંને વચ્ચે ઓળખાણ થતાં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો
- ડોક્ટરના પરિવારે તેના અન્ય સ્થળે લગ્ન નક્કી કરી દેતા યુવતીએ વિરોધ કર્યો હતો, પોલીસે ફરાર આરોપી વિકાસ પટેલ (ઉ.વ.૩૨) ડોક્ટરને શોધવા ટીમ બનાવી તપાસ હાથ ધરી
વડોદરા શહેરમાં ડોક્ટરે લગ્નની લાલચ આપીને બ્યુટી પાર્લર સંચાલક યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. વડોદરાની 28 વર્ષીય યુવતીએ ગોરવા પોલીસ સ્ટેશનમાં ડોક્ટર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ મામલે ડોક્ટર, તેની બહેન અને માતા-પિતા સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ કેસની તપાસ એસસી-એસટી સેલના એસીપી સી.બી.સોલંકીને આપવામાં આવી છે.
વડોદરાની યુવતીને વીજ કરંટ લાગતા મૂળ દાહોદના અને વડોદરામાં રહીને તરસાલી વિસ્તારમાં ક્લિનિક ચલાવતા ડોક્ટરને ત્યાં સારવાર લેવા માટે ગઈ હતી. ત્યારબાદ યુવતી અને ડોક્ટર વચ્ચે ઓળખાણ થઈ હતી અને ધીમે ધીમે બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. આરોપી ડોક્ટર વિકાસ પટેલ (ઉંમર 32), ડાઇવોર્સી છે, તેણે યુવતીને લગ્ન કરવાની લાલચ આપી હતી. આ બહાને તેણે યુવતીને પોતાના ઘરે બોલાવી વારંવાર તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા અને ત્યારબાદ લગ્ન કર્યાં નહોતા.
આ સમગ્ર મામલે વળાંક પર આવ્યો જ્યારે આરોપી ડોક્ટરના પરિવારજનોને ડોક્ટર અને યુવતીના સંબંધ વિષે જાણ થઈ હતી. ડોક્ટરના પરિવારે તેના અન્ય સ્થળે તેના લગ્ન નક્કી કરી દેવામાં આવતા યુવતીએ વિરોધ કર્યો હતો. આ ઉપરાંત, યુવતીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, ડોક્ટરની બહેને તેને માર માર્યો હતો, તેમજ ડોક્ટરના માતા-પિતાએ જાતિવાચક અપમાનજનક ટીપ્પણીઓ કરી હતી.
ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને આ કેસની તપાસ એસસી - એસટી સેલના એસીપી સી.બી. સોલંકીને સોંપવામાં આવી છે. હાલ આરોપી ડોક્ટર ફરાર છે અને પોલીસે તેની શોધખોળ માટે વિવિધ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. પોલીસે આ મામલે ડોક્ટર વિકાસ પટેલ, તેની બહેન તથા માતા-પિતા સામે પણ ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
એસસી-એસટી સેલના એસીપી સી.બી. સોલંકીએ જણાવ્યું હતું કે, આ કેસમાં દુષ્કર્મ ઉપરાંત એટ્રોસિટી એક્ટ અંતર્ગત પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.


