વડોદરામાં સેન્ટ્રલ બેન્કમાં ગ્રાહકે નકલી સોનું પધરાવી 6.82 લાખની લોન લઈ ઠગાઇ કરી, બે સામે ફરિયાદ

બેન્ક બ્રાન્ચ મેનેજરે ગ્રાહક અને તત્કાલીન વેલ્યુઅર સામે પાણીગેટ પોલીસમાં ફરિયાદ નોંધાવી

MailVadodara.com - customer-was-cheated-by-presenting-fake-gold-in-Central-Bank-and-took-a-loan-of-Rs-6-82-lakh-complaint-filed-against-two

- વાઘોડિયા રોડ સ્થિત સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખામાંથી સોનાના નકલી ઘરેણાં રજૂ કરીને 6.82 લાખ રૂપિયાની ગોલ્ડ લોન લઈને ગ્રાહકે છેતરપીંડી આચરી

વડોદરાની વાઘોડિયા રોડ સ્થિત સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખામાંથી સોનાના નકલી ઘરેણા રજૂ કરીને 6.82 લાખ રૂપિયાની ગોલ્ડ લોન લઈને ગ્રાહકે છેતરપીંડી આચરી છે. વ્યાજ સાથે આ રકમ 7.38 લાખ રૂપિયા રકમ થાય છે. આ મામલે બેન્ક બ્રાન્ચ મેનેજર અજીત હરિહર પ્રસાદ વિક્રમે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં ગ્રાહક આશીફ અશરફભાઈ મલેક અને તત્કાલીન વેલ્યુઅર દિલીપકુમાર નટવરભાઈ સોની પર છેતરપિંડીના આરોપ મૂકવામાં આવ્યા છે. પાણીગેટ પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે.

મૂળ બિહારના અને વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં દર્શનમ સેન્ટ્રલ પાર્કમાં રહેતા 36 વર્ષીય અજીત વિક્રમ છેલ્લા ચાર મહિનાથી વાઘોડિયા રોડ બ્રાન્ચના મેનેજર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમના પહેલાંના મેનેજર અમિતાબ સબુઈના કાર્યકાળ દરમિયાન દિલીપકુમાર સોનીને બેન્કના વેલ્યુઅર તરીકે નિમણૂક આપવામાં આવી હતી. બેન્ક ગ્રાહકોને તેમની જરૂરિયાતો અનુસાર ગોલ્ડ લોન આપે છે, જેમાં સોનાના ઘરેણાંની શુદ્ધતા, વજન અને મૂલ્યની તપાસ વેલ્યુઅર દ્વારા કરવામાં આવે છે.

આરોપી આશીફ મલેક (રહે. કુંપાડ રોડ, જલારામ તલાવડી, મંજુસર, વડોદરા) એ 2019માં બેન્કમાં ખાતું ખોલાવ્યું હતું. તા. 7 ઓક્ટોબર, 2019ના રોજ તેણે બપોરે લગભગ 12 વાગ્યે તત્કાલીન મેનેજર અમિતાબ સબુઈનો સંપર્ક કરીને 2.66 લાખની ગોલ્ડ લોનની માંગ કરી હતી. તેની સામે તેણે સોનાના ઘરેણાં રજૂ કર્યા હતા. જેમાં બે સોનાના કંગન પાટલા (વજન 47.100 ગ્રામ, વેલ્યુ 1.57 લાખ), એક સોનાની લક્કી (વજન 53.300 ગ્રામ, વેલ્યુ 1.77 લાખ) અને એક સોનાની વીંટી (વજન 16.200 ગ્રામ, વેલ્યુ 0.54 લાખ)નો સમાવેશ થતો હતો.

વેલ્યુઅર દિલીપકુમાર સોનીએ આ ઘરેણાંનું કુલ મૂલ્ય 3.89 લાખ રૂપિયા ગણાવીને પ્રમાણપત્ર આપ્યું હતું. આ આધારે 2.66 લાખની લોન 10.50% વ્યાજે 12 મહિના માટે મંજૂર કરવામાં આવી હતી. ત્યારબાદ તા. 11 નવેમ્બર 2019ના રોજ બપોરે લગભગ 3 વાગ્યે આશીફે ફરીથી 4.16 લાખ રૂપિયાની લોનની માંગ કરી હતી. તેની સામે તેણે છ સોનાની બંગડીઓ (વજન 86.950 ગ્રામ, વેલ્યુ 2.88 લાખ) અને એક સોનાની ચેઇન (વજન 95.850 ગ્રામ, વેલ્યુ 3.18 લાખ) રજૂ કર્યા હતા. વેલ્યુઅર દિલીપકુમાર સોનીએ કુલ મૂલ્ય 6.06 લાખ રૂપિયા ગણાવ્યું હતું. આ આધારે 4.16 લાખની લોન 10% વ્યાજે 12 મહિના માટે મંજૂર કરવામાં આવી હતી.

બેન્કના પ્રાદેશિક કાર્યાલયના આદેશ અનુસાર તમામ ગોલ્ડ લોનના ઘરેણાંનું પુનઃમૂલ્યાંકન કરવાનું હતું. આ માટે તા. 11 જૂન 2020, 6 જુલાઈ 2020 અને 20 જુલાઈ 2020ના રોજ આશીફને નોટિસો મોકલવામાં આવી હતી. તેઓ હાજર ન થતાં, તા. 30 જુલાઈ 2020ના રોજ બેન્કે એક સમિતિની રચના કરવામાં આવી હતી, જેમાં બેન્ક અધિકારીઓ, એક ગ્રાહક અને નવા પેનલ વેલ્યુઅર સંદીપ એચ. સોની (ભાગ્યલક્ષ્મી જ્વેલર્સ)નો સમાવેશ થતો હતો.

આ સમિતિએ વીડિયોગ્રાફી સાથે પુનઃમૂલ્યાંકન કર્યું ત્યારે તમામ ઘરેણાં નકલી હોવાનું જણાયું હતું. સંદીપ સોનીએ આ અંગે પ્રમાણપત્ર જારી કરીને નકલી હોવાનું પુષ્ટિ કરી હતી. આ ઘટના પછી બેન્કના રીજીયોનલ હેડ અરુણ મિશ્રાએ તપાસના આદેશ આપ્યા છે. આ કૌભાંડથી બેન્કને મોટું આર્થિક નુકસાન થયું છે અને આરોપીઓએ જાણીજોઈને છેતરપિંડી કરી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે, આ કેસમાં વધુ તપાસ કરીને આરોપીઓને ઝડપી લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઘટનાએ બેન્કિંગ સેક્ટરમાં ગોલ્ડ લોનની પ્રક્રિયા પર પ્રશ્નો ઉભા કર્યા છે.

Share :

Leave a Comments