- યુવતીનો પગ લપસતાં કાંસમાં પડી કે, અન્ય કારણસર દુર્ઘટના બની તે તપાસ બાદ સ્પષ્ટ થશે
- સ્થાનિકે કહ્યું, કોર્પોરેશનની ઘોર બેદરકારીને કારણે માસૂમ છોકરીનો જીવ ગયો છે
વડોદરાની મકરપુરા GIDC વિસ્તારમાં વરસાદી પાણીના કાંસમાંથી 19 વર્ષીય અસ્મિતા કૈલાશ કોટાનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. યુવતી કાંસમાં પડી જતાં તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી અને આશરે દોઢ કલાકની જહેમત બાદ યુવતીને બહાર કાઢી હતી. બીજી તરફ, કાંસની બાજુમાં ચાલવાની જગ્યા ન હોવા પાછળ આસપાસની કંપનીઓ દ્વારા કરવામાં આવેલા કથિત દબાણને લઈને પણ સવાલો ઊભા થયા છે.

19 વર્ષીય અસ્મિતા કૈલાશ કોટા મકરપુરા GIDC વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે વરસાદી પાણીના કાંસમાં પડી જવાની ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને યુવતીને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી હતી. આશરે દોઢ કલાકની જહેમત બાદ યુવતીને કાંસમાંથી બહાર કાઢવામાં આવી હતી. જોકે, યુવતીનો પગ લપસતાં તે કાંસમાં પડી હતી કે, પછી અન્ય કારણસર આ દુર્ઘટના બની હતી, તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

સ્થાનિક અક્ષયભાઈએ જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 18ના મકરપુરા GIDC વિસ્તારમાં આવેલી આ વરસાદી કાંસમાં ગઈકાલે એક છોકરી પડી ગઈ અને તેનો ભોગ બની. ખરેખર તો આ વરસાદી કાંસને યોગ્ય રીતે ઢાંકીને, તેના પર પાટિયા કે સિમેન્ટના સ્લેબ મૂકીને સુરક્ષિત કરવી જોઈએ. પરંતુ કોર્પોરેશનની ઘોર બેદરકારીને કારણે આ કાંસ ખુલ્લી મૂકી રાખવામાં આવી હતી, જેના લીધે ગઈકાલે એક માસૂમ છોકરીનો જીવ ગયો છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કોર્પોરેશનના વોર્ડ ઓફિસરો કે જેમના અંતર્ગત આ ગટર લાઇન અને વરસાદી કાંસ આવે છે, તેઓ આખરે શું કામ કરી રહ્યા છે? આજે એક નાની છોકરી આ બેદરકારીનો ભોગ બની છે, તો એના માટે જવાબદાર કોણ? માત્રને માત્ર કોર્પોરેશનની આ બેદરકારીના કારણે જ આજે એક છોકરીનું મૃત્યુ થયું છે.


