- મહિલાઓએ હલ્લાબોલ કરીને કોર્પોરેટરો વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા
- લોકોનું કહેવું છે કે, વોટ લેવા માટે રાત-દિવસ આવે છે પરંતુ અમારી સમસ્યાના નિકાલ માટે સમય નથી
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્માર્ટ સિટી તેમજ વિકસિત વડોદરા તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે, પરંતુ વાસ્તવિકતા કઈક અલગ જ સામે આવી રહી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં ગટર તેમજ પાણીની તકલીફોથી રહેવાસીઓ ત્રાહિમામ પોકારી રહ્યા છે. વોર્ડ કચેરી પહોંચી ભારે સૂત્રોચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.

વડોદરા શહેરના ઈલેક્શન વોર્ડ નંબર 4 હેઠળ આવતા ખોડિયારનગર મહાકાળી વુડા વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી ગટરલાઈન ઉભરાવાની સમસ્યા ગંભીર બની છે. ડ્રેનેજનું દૂષિત પાણી ચારે તરફ ફરી વળતા વિસ્તારમાં ગંદકી અને તીવ્ર દુર્ગંધ ફેલાઈ છે. આ ઉપરાંત મચ્છરનો ઉપદ્રવ વધતા રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે. આ કારણે વિસ્તારના રહેવાસીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આજે રહીશો ઉગ્ર રજૂઆત અર્થે વોર્ડ કચેરી ખાતે પહોંચી ગયા હતા.
રહેવાસીઓએ આ અંગે વોર્ડના કોર્પોરેટર અને મેયર પિન્કીબેન સોની તેમજ અજીત દાધીચને અનેક વખત રજૂઆત કરી હતી, પરંતુ કોઈ કામગીરી થઈ નથી એવા આક્ષેપો તેઓએ કર્યા છે. લોકોનું કહેવું છે કે, વોટ લેવા માટે રાત-દિવસ આવે છે પરંતુ અમારી સમસ્યાના નિકાલ માટે સમય નથી. આ વિસ્તારની મહિલાઓએ આક્રોશ વ્યક્ત કરતાં વહીવટી વોર્ડ નંબર 4ની ઓફિસ પર મોરચો માંડ્યો હતો. મહિલાઓએ હલ્લાબોલ કરીને કોર્પોરેટરો વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા અને તાત્કાલિક ગટર સમસ્યાના નિરાકરણની માંગણી કરી હતી.
મહિલાઓનું કહેવું છે કે, છેલ્લા એક વર્ષથી તેઓ આ મુદ્દે વહીવટી તંત્ર તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓને વારંવાર રજૂઆત કરી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવે છે, પરંતુ સમસ્યાનો કાયમી ઉકેલ હજુ સુધી આવ્યો નથી.


