- અચાનક નજીક આવી ગઠિયાએ ચેઇન પર ઝાપટ મારી હતી
- મહિલાએ હિંમત દાખવી ગઠિયાનો પીછો કર્યો હતો, જોકે ચેઇન તોડી આરોપી ઝડપથી ફરાર થઈ ગયો

વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં ચેઇન સ્નેચિંગની ઘટના સામે આવતા ચકચાર મચી છે. નારાયણવાડી પાસે આવેલી વૃંદાવન સોસાયટી નજીક રસ્તા પર ચાલતી એક મહિલાને ચાલતા ચાલતા આવેલા ગઠિયાએ નિશાન બનાવી તેના ગળામાંથી સોનાની ચેઇન તોડી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનાનો બનાવ નજીકમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થયો છે. આ મામલે અટલાદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મહિલા અટલાદરા વિસ્તારમાં આવેલ વૃંદાવન સોસાયટી નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે ગઠિયો અચાનક તેની નજીક આવ્યો હતો અને મહિલાના ગળામાં પહેરેલી સોનાની ચેઇન પર ઝાપટ મારી તેને તોડી લીધી હતી. ચેઇન તૂટતાં મહિલા પણ સતર્ક થઈ હતી અને હિંમત દાખવી ગઠિયાનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, મહિલા પીછો કરે તે પહેલાં જ ગઠિયો ચેઇન લઈને ત્યાંથી ઝડપથી ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી હતી.
બનાવ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા અટલાદરા પોલીસની ટીમે તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા ઘટનાસ્થળ તથા આસપાસના CCTV કેમેરાના ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. CCTVમાં કેદ થયેલા ગઠિયાના ચહેરા અને તેની હિલચાલના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ શરૂ કરી છે.


