- પોલીસે 62 હજાર રૂપિયાની કિંમતના સોનાના દાગીના કબજે કર્યા
વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલી મહાલક્ષ્મી જ્વેલર્સમાંથી સોનાના દાગીનાની ચોરી કરનાર મહિલાને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી હતી. ફતેગંજ પોલીસે CCTV ફૂટેજ અને બાતમીના આધારે કાર્યવાહી કરી આરોપી પાસેથી 62 હજાર રૂપિયાની કિંમતના સોનાના દાગીના કબજે કર્યા છે.
વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારની મહાલક્ષ્મી જ્વેલર્સમાં ચોરીની મહિલાને ઝડપી પાડવા પોલીસે દુકાન અને આસપાસના લગભગ 35 જેટલા CCTV કેમેરાની તપાસ કરી હતી. તપાસ દરમિયાન ઓરેન્જ રંગની સાડી પહેરેલી અને હાથમાં પર્સ ધરાવતી મહિલાની ઓળખ થઈ હતી.
પોલીસે ગણપતિ ચોકડી નજીકથી મહિલાને ઝડપી પાડી હતી. મહિલા પોલીસ કર્મચારીઓએ તપાસ કરતાં તેના પર્સમાંથી બે જોડ સોનાની બુટ્ટી અને એક સોનાની વીંટી મળી આવી હતી. પૂછપરછ દરમિયાન મહિલાએ મહાલક્ષ્મી જ્વેલર્સમાંથી દાગીના ચોર્યાની કબૂલાત કરી હતી. પોલીસે સંગીતાબેન રાજુ મહીડાની ધરપકડ કરી તેની પાસેથી રૂ.62 હજારના સોનાના દાગીના કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


