- પોલીસે 100થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસી આરોપી મહિલાને ઝડપી પાડી હતી
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતાં 82 વર્ષનાં વૃદ્ધ મહિલાને મદદના બહાને લૂંટનાર આરોપી મહિલાને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં શોધી કાઢી છે અને ચોરાયેલું સોનાનું ડોકીયું કબજે કર્યું છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. 24/08/2025ના રોજ બપોરે લગભગ 145 વાગ્યાની આસપાસ, માંજલપુરના મંગલેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરીને બહાર નીકળતી વખતે ફરિયાદી વૃદ્ધ મહિલા મંદિરના પરિસરમાં બાંધેલી દોરડાની આંટીમાં ફસાઈને નીચે પડી ગયાં હતાં. આ દરમિયાન તેમને ડાબા ખભા અને જમણા પગે ઇજા થઈ હતી. આ સમયે ઘટના સ્થળે હાજર લોકો અને એક અજાણી મહિલાએ તેમને ઉભા કરવામાં મદદ કરી હતી.

આ અજાણી મહિલાએ ફરિયાદીને કહ્યું, માજી હું તમને રિક્ષામાં તમારા ઘરે મૂકી આવું. ત્યારબાદ, આરોપી મહિલાએ ફરિયાદીનો હાથ પકડી તેમને સનસિટી સર્કલ પાસે ડૉ. બિશ્નોઈના દાંતના દવાખાના નજીક સુરેમા સોસાયટીના રોડ ઉપરના મકાન આગળની ઈંટની પાળી પર બેસાડ્યાં હતા. આ દરમિયાન આરોપીએ ઝપાઝપી કરી ફરિયાદીના ગળામાંથી આશરે રૂ. 40,000 ની કિંમતનું સોનાનું ડોકીયું ખેંચી તોડી લઈ નાસી ગઈ હતી. આ ઘટના અંગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં તા. 24/08/2025ના રોજ ચેઇન સ્નેચિંગનો ગુનો નોંધાયો હતો.
ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન માહિતીના આધારે માંજલપુરના પંચશીલ ગ્રાઉન્ડ પાસે શંકાસ્પદ મહિલાને ઝડપી પાડી હતી. મહિલા પોલીસ કર્મચારી દ્વારા તપાસ દરમિયાન, આ મહિલા પાસેથી એક તૂટેલું સોનાનું ડોકીયું મળી આવ્યું હતું. જેના વિશે તે કોઈ પુરાવા રજૂ ન કરી શકી. પૂછપરછમાં આ મહિલાએ ચેઇન સ્નેચિંગનો ગુનો કબૂલ્યો હતો.

DCP ક્રાઈમ હિમાંશુ કુમાર વર્માએ જણાવ્યું હતું કે, ચેઇન સ્નેચિંગની ઘટનાની સૂચના મળતાં જ અમે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. અમે લગભગ 100થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. આ દરમિયાન અમને જાણવા મળ્યું હતું કે, આ ઘટના એક મહિલા દ્વારા અંજામ આપવામાં આવી છે. વધુ તપાસ અને સીસીટીવી ફૂટેજના આધારે અમે આરોપી મહિલાને ઝડપી લીધી હતી.

ઉલ્લેખનીય છે કે, વડોદરા સિટી પોલીસની ક્રાઈમ બ્રાંચે આ વર્ષે ચેઈન સ્નેચિંગના કુલ 33 કેસ નોંધ્યા છે, જેમાંથી 30 કેસનો ભેદ ઉકેલાઈ ચૂક્યો છે. આમ, અમારો ગુના ડિટેક્શન રેટ ખૂબ જ સારો રહ્યો છે. આ ઘટનાને પણ અમે 24 કલાકની અંદર ડિટેક્ટ કરી લીધી છે, જે અમારી ટીમની કાર્યક્ષમતા દર્શાવે છે. જ્યારે અમને આ ઘટનાની જાણ થઈ, ત્યારે અમે પીડિત વૃદ્ધ મહિલાને પૂછપરછ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, એક મહિલાએ તેમને ઘરે મૂકવાના બહાને મદદ કરવાની વાત કરી હતી. રસ્તામાં તે મહિલાએ ચેઈન ખેંચીને ગુનો આચર્યો. સીસીટીવી ફૂટેજની મદદથી અમે આરોપીની હિલચાલ ટ્રેક કરી, જેમાં તે ક્યાંથી આવી અને ક્યાં ગઈ તેની માહિતી મળી. આ આધારે અમે આરોપીને ઝડપી લીધી છે.
પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે, આરોપી મંજુલાબેનને પૈસાની તંગી હતી, જેના કારણે તેણે આ ગુનો આચર્યો હતો. તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ ન હોવાથી આ તેનો પ્રથમ ગુનો હોવાનું જણાય છે.


