- સંગમ ચાર રસ્તા પાસે લાલ બહાદુર સ્કૂલ નજીક આવેલી હયાત 500 મીમી વ્યાસની પાઈપલાઈનને નવી નાખવામાં આવેલી 450 મીમી વ્યાસની લાઈન સાથે જોડવાનું આયોજન
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નં-4 માં આવેલ સંગમ ચાર રસ્તા પાસે નવી પાણીની લાઈન જોડવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેના કારણે આગામી 27 જાન્યુઆરી, મંગળવારના રોજ શહેરના કારેલીબાગ પાણીની ટાંકી કમાન્ડ વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેશે.
શહેરના સંગમ ચાર રસ્તા પાસે લાલ બહાદુર સ્કૂલ નજીક આવેલી હયાત 500 મી.મી. વ્યાસની પાઈપલાઈનને નવી નાખવામાં આવેલી 450 મી.મી. વ્યાસની લાઈન સાથે જોડવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના કારણે આગામી તારીખ 27/01/26 ને મંગળવારના રોજ સવારે 6થી 11 વાગ્યા દરમિયાન વિસ્તારમાં વિતરણ કરવામાં આવતું પાણીનો કાપ રહેશે. આ સાથે બીજા દિવસે પણ સમય કરતા મોડુ અને ઓછા પ્રેશરથી આપવામાં આવશે.
કારેલીબાગ પાણીની ટાંકીના કમાન્ડ વિસ્તાર હેઠળ આવતા કારેલીબાગ ટાંકીથી સંગમ ચાર રસ્તા સુધીનો વિસ્તાર, એરપોર્ટ સર્કલથી ફતેગંજના ફતેપુરા ચાર રસ્તા સુધીનો ભાગ, સંગમ સોસાયટી અને વિજય નગર તરફનો સમગ્ર વિસ્તારના લાખો લોકોને પાણી નહીં મળે. આ દરમિયાન વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા જાહેર જનતાને આ કામગીરી દરમિયાન સહકાર આપવા અને પાણીનો સંગ્રહ કરી રાખવા અપીલ કરવામાં આવી છે.


