- ગંભીર રીતે ઇજાગ્રસ્ત જ્યોતિબેન બેભાન હાલતમાં હોસ્પિટલમાં દાખલ
- ઝપાઝપી દરમિયાન જ્યોતિબેનને આંખની પાસે તેમજ હાથના ભાગે પણ ઇજાઓ પહોંચી હતી
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી ઉમા પાર્ક સોસાયટીમાં રવિવારે મોડી રાત્રે ઘરકંકાસે ગંભીર વળાંક લીધો હતો. પતિએ પત્નીના ગળાના ભાગે કટર વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડ્યા બાદ પોતે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલી મહિલાને 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે, જ્યાં તે બેભાન હાલતમાં સારવાર હેઠળ છે. કપૂરાઈ પોલીસે યુવતીના પિતાની ફરિયાદના આધારે મૃતક પતિ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે.
અમદાવાદના રહેવાસી તથા ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા વિજયરાવ પેટકરે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની મોટી પુત્રી જ્યોતિબેન પ્રદીપ ગાંગુડેના લગ્ન 15 વર્ષ પહેલાં સમાજના રીતિ-રિવાજ મુજબ થયા હતા. દંપતીને 16 વર્ષનો પુત્ર અને 14 વર્ષની પુત્રી છે.
ફરિયાદ મુજબ રવિવારે રાત્રે આશરે અઢી વાગ્યે જ્યોતિબેનના પુત્રએ દાદાને ફોન કરી જણાવ્યું હતું કે તેના પિતા પ્રદીપ ગાંગુડેએ માતાના ગળાના ભાગે કટર વડે હુમલો કર્યો છે, જેના કારણે તેમને ગંભીર ઇજાઓ પહોંચી છે અને ગળામાંથી ભારે રક્તસ્ત્રાવ થઈ રહ્યો છે. ત્યારબાદ પ્રદીપે બેડરૂમમાંથી સાડી લઈ બાળકોને રૂમમાં બંધ કરી દીધા હતા.
પુત્રે બાલ્કનીમાંથી બૂમાબૂમ કરતાં પાડોશીઓ મદદે દોડી આવ્યા હતા. ત્યારબાદ બાળકોને સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. બાદમાં પરિવારજનો અને પાડોશીઓએ ઘરનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ અંદરથી કોઈ જવાબ મળ્યો ન હતો. બારીનો કાચ તોડી અંદર જોયું ત્યારે પ્રદીપ ગાંગુડે ઘરના હોલમાં છતના હૂક સાથે સાડી વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.
જ્યોતિબેનને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફરિયાદમાં જણાવ્યા મુજબ પ્રદીપ ગાંગુડેએ પત્નીનું મોત નીપજાવવાના ઇરાદે ગળા પર કટરથી હુમલો કર્યો હતો. ઝપાઝપી દરમિયાન જ્યોતિબેનને આંખની પાસે તેમજ હાથના ભાગે પણ ઇજાઓ પહોંચી હતી.
આ સમગ્ર ઘટનાને પગલે કપૂરાઈ પોલીસે મૃતક પ્રદીપ કિશનરાવ ગાંગુડે વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


