- વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, સંયુક્ત સચિવ ગ્રંથાલય, ખજાનચીની એક જગ્યા અને મેનેજિંગ કમિટીના 10 પદ માટે મતદાન થઈ રહ્યું છે

વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. આ વખતે પ્રમુખ ઉપપ્રમુખ અને મેનેજિંગ કમિટી સહિત 37 જેટલા ઉમેદવારો મેદાનમાં છે. આ વર્ષે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે, ત્યારે મતદાન તથા પરિણામ ઓનલાઇન અપડેટ થઈ રહ્યા છે, જે મતદારો હવે નિહાળી શકે છે.
વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, સંયુક્ત સચિવ ગ્રંથાલય, ખજાનચીની એક જગ્યા અને મેનેજિંગ કમિટીના 10 પદ માટે મતદાન થઈ રહ્યું છે. આજે સવારે 10.00 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. જે સાંજે 5.00 વાગ્યા સુધી ચાલશે. પાંચ વાગ્યા પછી મત ગણતરી શરૂ થશે અને મોડી રાત્રે પરિણામો જાહેર થશે.



આ વખતે વડોદરા બાર એસોસિએશનની ચૂંટણીમાં ભારતના ઇતિહાસમાં પ્રથમવાર વધુમા વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રીઅલ ટાઇમ ડેટા અને લાઇવ ટ્રેકિંગ સિસ્ટ્મ દ્વારા લોકશાહીના પર્વને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ ચુંટણી પંચ દ્વારા કરવામાં આવ્યો છે. આ ચુંટણી દરમિયાન સામાન્ય રીતે પરિણામો માટે કલાકો સુધી રાહ જોવી પડતી હોય છે. પરંતુ આ વખતે વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં મતદાન ઇન્ટરનેટ પર લાઇવ અપડેટ થઈ રહ્યા છે.


આ પ્રક્રિયા માત્ર વડોદરા પૂરતી મર્યાદિત નહીં રહે પરંતુ લિંક દ્વારા દુનિયાના કોઇ પણ જગ્યા પર બેઠેલા લોકો નિહાળી શકે છે. ચુંટણી દિવસે કેટલું મતદાન થયું છે. કોણે મતદાન કર્યું છે તેની મહત્વ પૂર્ણ વિગતો લાઈવ ઉપલબ્ધ હોવાથી બોગસ વોટિંગ થવાની સંભાવના નથી. ચુંટણી પ્રક્રિયા સરળ રીતે થાય તેના માટે તમામ મતદાન મથકો પર સીસીટીવી કેમેરાથી સજજ કરી દેવામાં આવ્યાં છે. ઉપરાંત મતદાન માટે મંડપ પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે.



સિનિયર વકીલ હિતેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આજ રોજ વડોદરા વકીલ મંડળ સમગ્ર દેશમાં એક ઇતિહાસ સર્જવા જઈ રહ્યું છે, જેમાં ડિજિટલ પ્રક્રિયાનો ઉપયોગ કરીને અને સાથે સાથે જે જૂની પ્રણાલી બેલેટ પેપરની છે, એની સાથે ડિજિટલ પ્રક્રિયાનો ઉપયોગ કરીને આજ રોજ 4,515 જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને 37 જેટલા ઉમેદવારો જે આજે ઊભા છે. અલગ-અલગ પદ માટે, એમની પસંદગી કરશે. અમને ચોક્કસ ખાતરી છે કે 4,515 મતદારો અહીં આવશે અને આજ રોજ વડોદરા વકીલ મંડળ એક ઇતિહાસ રચશે.





