વડસર પોસ્ટ ઓફિસના કર્મચારીએ ઓનલાઈન ટ્રેડિંગમાં રૂા. 34.05 લાખ ગુમાવ્યા, સાયબર ક્રાઈમમાં ફરિયાદ

નફાના સ્ક્રીનશોટથી વિશ્વાસ કેળવી મોટી રકમ પડાવી

MailVadodara.com - Vadsar-Post-Office-employee-loses-Rs-34-05-lakh-in-online-trading-complaint

- શરૂઆતનું રોકાણ નફા સાથે પરત મળતાં વધુ રકમ રોકાણ કરાઈ, શરૂઆતમાં 10 હજારના રોકાણ સામે 4 હજારનો નફો અપાયો, વોલેટમાં 1.83 કરોડ દેખાડી રકમ ઉપાડવા જતા એકાઉન્ટ ફ્રિઝ થયું

વડોદરા શહેરના વડસર વિસ્તારની પોસ્ટ ઓફિસના કર્મચારીએ ઓનલાઇન ગઠિયાઓની લાલચમાં આવીને ટેલિગ્રામ ગૃપમાં ગોલ્ડ ફોરેન એક્સચેન્જમાં રોકાણ કરીને રૃા.૩૪.૦૫ લાખ ગુમાવ્યા છે.
વડોદરા નજીક કેલનપુર પાસે અક્ષર આંગન સોસાયટીમાં રહેતા કુંતલ નરેન્દ્રપ્રસાદ જોષીએ સાયબર ક્રાઇમમાં લૌરા નામની વ્યક્તિ તેમજ ટેલિગ્રામના ૨૪ ગોલ્ડ ફોરેન એક્સચેન્જ ઓફિશિયલ ટ્રેડિંગ ગૃપ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું વડસર બ્રિજ નીચે એમઆઇ એસ્ટેટ પોસ્ટ ઓફિસમાં પોસ્ટલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવું છું. મેં ૨૦૨૫માં મને ૨૪ ગોલ્ડ ફોરેન એક્સચેન્જ ઓફિશિયલ ટ્રેડિંગ ગૃપમાં ટેલિગ્રામ એકાઉન્ટમાં એડ કર્યો હતો. આ ટેલિગ્રામનું ગૃપ શેર માર્કેટિંગ ટ્રેડિંગ ગૃપ હતું.
મે-૨૦૨૫થી સપ્ટમ્બર-૨૦૨૫ સુધી મેં ગૃપમાં નિરીક્ષણ કર્યુ હતું બાદમાં એક લિન્ક પર ક્લિક કરી તેમાં મેં મારી બેન્ક એકાઉન્ટ સહિતની તમામ વિગતો ભરી મારુ ટ્રેડિંગ એકાઉન્ટ બનાવી વોલેટ બનાવ્યું હતું. આ ટ્રેડિંગ એકાઉન્ટમાં ગોલ્ડ, સિલ્વર, ઝિંક, ઓઇલ, કોપર વિગરે ખરીદી અને વેચી શકો છો તેમ ગૃપના સંચાલક લૌરાએ જણાવ્યું હતું. ગૃપના કેટલાંક સભ્યો ઓઇલની ખરીદી અને વેચાણ પર જે નફો થાય તે બાબતના સ્ક્રીન શોટ મૂકતા હતાં. મેં પણ મારા વોલેટમાં રૃા.૧૦ હજાર રિચાર્જ કરાવતા મને રૃા.૪ હજાર નફો થતા તે પૈસા મારા ખાતામાં જમા થયા હતાં.
બાદમાં મને વિશ્વાસ બેસતા રોકાણ કરાવવા માટે મારી પાસે અલગ અલગ બેન્કોમાં કુલ રૃા.૩૪.૦૫ લાખ ભરાવ્યા હતાં. મારા વોલેટ બેલેન્સમાં રૃા.૧.૮૩ કરોડ બતાવતા હોવાથી તે રકમ ઉપાડવા જતા વોલેટ ફ્રિઝ થયું હોવાનું જણાયું હતું. લૌરાને આ અંગે વિનંતી કરતા તેણે રિક્વેસ્ટ નામંજૂર કરી રકમ ઉપાડવા દીધી ન હતી અને થોડા સમય બાદ ટેલિગ્રામ પરનું આ ગૃપ બંધ થઇ ગયું હતું. ઉપરોક્ત વિગતોની ફરિયાદના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments