વડોદરાને આગામી ગુરૂવારે મળશે નવા મેયર, સામાન્ય સભાના દિવસે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પણ મળશે

વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા સામાન્ય સભાનો એજન્ડા જાહેર કરાયો

MailVadodara.com - Vadodara-will-get-a-new-mayor-next-Thursday-a-standing-committee-meeting-will-also-be-held-on-the-day-of-the-general-meeting

- નવા ચૂંટાયેલા મેયર પદભાર સંભાળતાની સાથે જ તુરંત જ ડેપ્યુટી મેયરના નામની જાહેરાત કરશે અને તેમની વરણી કરાશે, તમામ ચૂંટાયેલા કોર્પોરેટરોની બેઠક બોલાવવામાં આવશે

તા. 26 એપ્રિલના રોજ વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી, જેના પરિણામો તા. 28 એપ્રિલના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. આ ચૂંટણીના પરિણામો જાહેર થયાના બરાબર એક મહિના બાદ, એટલે કે આગામી તા.28 મેના રોજ વડોદરા મહાનગરપાલિકાનું નવું બોર્ડ અસ્તિત્વમાં આવવા જઈ રહ્યું છે. વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા આ અંગેનો સત્તાવાર એજન્ડા પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. જેની સાથે જ પાલિકાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.

મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા સામાન્ય સભાનો એજન્ડા બહાર પાડી દેવામાં આવ્યો છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયાના એક મહિના બાદ આખરે વડોદરા શહેરને તેના નવા પ્રથમ નાગરિક મળવા જઈ રહ્યા છે. આગામી 28 મેના રોજ નવા પદાધિકારીઓની વરણીના દિવસે સવારે શાસક પક્ષના કાર્યાલય ખાતે તમામ ચૂંટાયેલા કોર્પોરેટરોની એક મહત્વની બેઠક બોલાવવામાં આવશે. આ બેઠકમાં પ્રદેશ હાઈકમાન્ડ તરફથી મોકલવામાં આવેલા નામોનું મેન્ડેટ ખોલવામાં આવશે અને શહેર પ્રમુખ દ્વારા આગામી અઢી વર્ષ માટેના મેયરના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

પક્ષ તરફથી નામની જાહેરાત કરાયા બાદ તમામ કોર્પોરેટરો એકસાથે પાલિકા કચેરી ખાતે પહોંચશે. જ્યાં તારીખ 28ના રોજ સવારે 11 કલાકે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં ખાસ સામાન્ય સભાનો પ્રારંભ થશે. આ સભામાં નિયત વહીવટી પ્રક્રિયા હાથ ધરીને નવા મેયરની ચૂંટણી પ્રક્રિયાને આખરી ઓપ આપવામાં આવશે. નવા મેયરના નામ પર મહોર વાગ્યા બાદ સભાની આગળની કાર્યવાહી હાથ ધરાશે. નવા ચૂંટાયેલા મેયર પદભાર સંભાળતાની સાથે જ તુરંત જ ડેપ્યુટી મેયરના નામની જાહેરાત કરશે અને તેમની વરણી કરવામાં આવશે.

આ જ દિવસે વડોદરા મહાનગરપાલિકાની સૌથી મહત્વની ગણાતી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પણ બોલાવવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની જે યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે, તેમાં જે સભ્યનું નામ પ્રથમ ક્રમે હશે, તેઓ આગામી અઢી વર્ષની મુદત માટે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળશે. આ આખી પ્રક્રિયા દરમિયાન જ પાલિકાના શાસક પક્ષના નેતા અને દંડકની નિમણૂક પણ સત્તાવાર રીતે કરી દેવામાં આવશે. આમ, 28મી તારીખે વડોદરા પાલિકાના તમામ મુખ્ય પદાધિકારીઓની નિમણૂક પ્રક્રિયા પૂર્ણ વહીવટી પ્રોટોકોલ સાથે સંપન્ન થશે.

Share :

Leave a Comments