- કેનેડાના પી.આર. આપવાની ખાતરી આપી રૂ.35 લાખમાં કામ કરવાનું નક્કી કર્યું હતું
- 15 લાખ આપ્યા બાદ આરોપીએ ઇમિગ્રેશન સંબંધિત દસ્તાવેજો અને વિઝા સ્ટીકર મોકલ્યા હતા, જોકે વિદેશમાં રહેતા ઓળખીતાઓને તપાસ કરાવતા તે નકલી હોવાનું બહાર આવ્યું હતું
આણંદના ખંભાતના એક વેપારીએ વડોદરાના વિઝા કન્સલ્ટન્ટ સામે કેનેડાના પી.આર. અપાવવાના નામે 15.07 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. પુત્રીને કેનેડાનું પી.આર. અપાવવાની લાલચ આપી રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. બાદમાં આપવામાં આવેલા વિઝાનુ સ્ટીકર નકલી હોવાનું સામે આવતા રૂપિયા પરત માંગ્યા હતા. આરોપીએ 2.50 લાખ રૂપિયા પરત આપ્યા બાદ બાકીના 12.57 લાખ રૂપિયા પરત ન આપતાં આખરે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ખંભાતના સચીન ઝવેરીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમની પુત્રી જાનવી લંડનમાં સ્ટુડન્ટ વિઝા પર અભ્યાસ કરતી હતી. આ દરમિયાન ઓળખાણ મારફતે વડોદરાના છાણી જકાતનાકા વિસ્તારમાં ઓફિસ ધરાવતા ક્રિશ્ચિયન લીયો ઉર્ફે સેલ્વીન મેકવાનનો સંપર્ક થયો હતો. આરોપીએ જાનવીને કેનેડાનું પી.આર. અપાવી આપવાની ખાતરી આપી રૂ.35 લાખમાં કામ કરવાનું નક્કી કર્યું હતું. ફરિયાદી અને તેમના પરિવારજનોએ વિવિધ હપ્તામાં ઓનલાઈન ટ્રાન્સફર, ગુગલ પે તેમજ રોકડ મળી કુલ રૂ.15.07 લાખ આરોપીને ચૂકવ્યા હતા. ત્યારબાદ આરોપીએ ઇમિગ્રેશન સંબંધિત દસ્તાવેજો અને વિઝા સ્ટીકર મોકલ્યા હતા. જોકે વિદેશમાં રહેતા ઓળખીતાઓને તપાસ કરાવતા સ્ટીકર નકલી હોવાનું બહાર આવ્યું હતું.
આ અંગે સામનો કરતાં આરોપીએ રૂપિયા પરત આપવાની ખાતરી આપી હતી અને અલગ-અલગ હપ્તામાં રૂ.2.50 લાખ પરત કર્યા હતા. પરંતુ બાકીના રૂ.12.57 લાખ પરત ન આપતાં અને સંપર્ક તોડી નાખતાં વેપારીએ પોલીસનો આશરો લીધો હતો. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


