- લથુઆનિયા દેશના વર્ક પરમિટ માટે બંનેએ દોઢ-દોઢ લાખ રૂપિયા બેંક ટ્રાન્ઝેક્શન દ્વારા આપ્યા હતા, આરોપીએ વિઝા ન આપીને પૈસા પણ પરત કર્યા નહોતા અને અને છેતરપિંડી કરી હતી
વડોદરાના વિઝા કન્સલ્ટન્ટે સુરતના પાંચ યુવકોને ચેક રિપબ્લિક, સિંગાપુર, લિથુઆનિયા અને ફીજીના વર્ક વિઝા અપાવવાના નામે 22.81 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. આ મામલે અકોટા પોલીસે ગુનો નોંધીને આરોપી નવીન ખંડેલવાલની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
સુરત શહેરના રાંદેર વિસ્તારમાં રહેતા 23 વર્ષીય યુવક ચિરાગ કલ્પેશભાઈ મહેરાએ અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે ડિસેમ્બર 2023માં ફરિયાદી ચિરાગ મહેરા અને તેમના ભાઈ મિતેશ મહેરા આરોપી નવીનભાઈ ગોપાલભાઈ ખંડેલવાલ, (રહે. B/10, પટેલ કોલોની, દિનેશ મીલની પાછળ, વેરાઈમાતા મંદિર પાસે, અકોટા, વડોદરા)ની વિન્સન પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલી અલાઈન્સ ઓવરસીઝ કન્સલ્ટન્સી ખાતે ગયા હતા. લિથુઆનિયા દેશના વર્ક પરમિટ માટે બંનેએ દોઢ-દોઢ લાખ રૂપિયા બેંક ટ્રાન્ઝેક્શન દ્વારા આપ્યા હતા.
ત્યારબાદ ચેક રિપબ્લિક, સિંગાપુર અને ફીજીના વિઝા માટે ચિરાગે રૂ. 5,50,000 અને મિતેશે રૂ. 6,75,000 આપ્યા હતા. મિતેશને રૂ. 1,96,000 રિફંડ મળ્યા, પરંતુ બાકીના રૂ. 4,79,000 અને ચિરાગના રૂ. 5,50,000 પરત મળ્યા નહોતા. આમ, બંને ભાઈઓને નવીનભાઈ પાસેથી કુલ રૂ. 10,29,000 લેવાના બાકી છે. વિઝા ન મળતાં અને પૈસા પરત ન આપતાં આરોપીએ છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો છે. જેથી આ મામલે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
સુરત શહેરના રાંદેર વિસ્તારમાં રહેતા 24 વર્ષીય યુવક દર્શીલભાઈ નિતેશકુમાર શાહે અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ડિસેમ્બર 2023માં ફરિયાદી દર્શીલભાઈ તેમના મિત્રો કૌશિક ચૌહાણ અને ચિરાગ રેવડીવાલા સાથે આરોપીની અલાઈન્સ ઓવરસીઝ કન્સલ્ટન્સી ખાતે ગયા હતા. લિથુઆનિયા, ચેક રિપબ્લિક, સિંગાપુર અને ફીજીના વિઝા માટે દર્શીલભાઈએ રૂ. 6,75,000, કૌશિકે રૂ. 6,75,000 અને ચિરાગ રેવડીવાલાએ રૂ. 4,90,000 આપ્યા હતા. રિફંડ તરીકે દર્શીલભાઈ અને કૌશિકને રૂ. 1,94,000 અને ચિરાગને રૂ. 2,00,000 મળ્યા હતા.
આમ, દર્શીલભાઈને રૂ. 4,81,000, કૌશિકને રૂ. 4,81,000 અને ચિરાગના રૂ. 2,90,000 બાકી છે. કુલ રૂ. 18,40,000 આપ્યા હતા, જેમાંથી રૂ. 12,52,000 બાકી છે. આરોપીએ વિઝા ન આપીને પૈસા પણ પરત કર્યા નહોતા અને અને છેતરપિંડી કરી છે. જેથી આ મામલે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.


