- વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની સૂચનાના આધારે ઝોન-1થી 4ના ડીસીપીના સંકલનમાં ક્રાઈમ બ્રાન્ચ અને વિવિધ પોલીસ સ્ટેશનોની કુલ 6 ટીમો બનાવવામાં આવી હતી

વડોદરા પોલીસની મેગા ડ્રાઇવ અંતર્ગત પંજાબ, હરિયાણા, દિલ્હી, બિહાર અને મહારાષ્ટ્રમાંથી નાસતા-ફરતા 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને 7 આરોપીના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે. પકડાયેલા 7 આરોપીઓ સામે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેર પોલીસે નાસતા-ફરતા આરોપીઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની સૂચનાના આધારે ઝોન-1થી 4ના ડીસીપીના સંકલનમાં ક્રાઈમ બ્રાન્ચ અને વિવિધ પોલીસ સ્ટેશનોની કુલ 6 ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોને પંજાબ, હરિયાણા, દિલ્હી, બિહાર અને મહારાષ્ટ્ર રાજ્યોમાં વડોદરા શહેરના જુદા-જુદા ગુનાઓમાં સંડોવાયેલા નાસતા-ફરતા આરોપીઓની શોધખોળ માટે મોકલવામાં આવી હતી.

આ ટીમોએ છેલ્લા 10 દિવસમાં સંલગ્ન રાજ્યોના વિવિધ વિસ્તારોમાં અથાગ મહેનત કરી હતી. સ્થાનિક પહેરવેશમાં સ્થાનિક લોકો સાથે ભળીને ખાનગી રીતે સતત વોચ રાખી હતી. તેમજ હ્યુમન અને ટેક્નિકલ સોર્સનો ઉપયોગ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીના પરિણામે વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા અપહરણ, ઘરફોડ ચોરી, બનાવટી દસ્તાવેજો, વિદેશી દારૂની હેરાફેરી અને ધમકી આપવા જેવા ગુનાઓમાં ઘણા વર્ષોથી નાસતા-ફરતા કુલ 14 આરોપીઓની ભાળ મેળવી શોધી કાઢવામાં સફળતા મેળવી છે.

આ 14 આરોપીઓ પૈકી 7 આરોપીઓ મૃત્યુ પામ્યા હોવાની પુષ્ટિ થઈ છે. બાકીના આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ આરોપીઓ અગાઉ તપાસ દરમિયાન મળી ન આવતા કોર્ટમાંથી સીઆરપીસી કલમ-70 હેઠળ વોરંટ મેળવવામાં આવ્યા હતા અને તેમને નાસતા-ફરતા આરોપી તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.


