દિલ્હી ખાતે યોજાયેલી ઓલ ઇન્ડિયા કરાટે ચેમ્પિયનશિપમાં વડોદરાના ખેલાડીઓએ ગુજરાતનું નામ રોશન કર્યું

રાષ્ટ્રીય કરાટે ચેમ્પિયનશિપમાં ગુજરાતના યુવા ફાઈટર્સની સુવર્ણ સફળતા

MailVadodara.com - Vadodara-players-bring-glory-to-Gujarat-in-All-India-Karate-Championship-held-in-Delhi

દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે તારીખ ૧ અને ૨ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ યોજાયેલી ચોથી ઓલ ઇન્ડિયા ઇન્ટર ઝોનલ કરાટે ચેમ્પિયનશિપ૨૦૨૫માં ગુજરાતના કરાટે ફાઈટર્સે શાનદાર દેખાવ કરીને રાજ્યનું નામ ગૌરવપૂર્વક ઉજાગર કર્યું છે. આ રાષ્ટ્રીય સ્તરની પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપનું આયોજન કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન (KIO) દ્વારા કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં ભારતના નૉર્થ, સાઉથ, ઇસ્ટ, વેસ્ટ અને નૉર્થઇસ્ટ ઝોનમાંથી ઝોનલ સ્તરે ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતેલા શ્રેષ્ઠ ફાઈટર્સે ભાગ લીધો હતો. દેશભરના ટોચના ખેલાડીઓ વચ્ચે થયેલી આ સ્પર્ધા ખૂબ જ કઠિન અને રોમાંચક રહી હતી.


વેસ્ટ ઝોનના સાત રાજ્યોમાંથી ક્વોલિફાય થયેલા ગોલ્ડ અને સિલ્વર મેડલિસ્ટ ખેલાડીઓ સાથે કરાટે ડુ ફેડરેશન ઓફ ગુજરાત (KDF) તરફથી ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું. KDFના પ્રેસિડેન્ટ કલ્પેશભાઇ ખત્રીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ વડોદરાના ખેલાડીઓએ સ્પર્ધામાં ભાગ લઈને અદભૂત પ્રદર્શન કર્યું હતું.

આ સ્પર્ધામાં વડોદરાના ચાર ખેલાડીઓએ ગોલ્ડ મેડલ મેળવી ગુજરાતનું નામ રોશન કર્યું હતું. જેમાં ૧૦ વર્ષીય પાર્થરાજસિંહ જાડેજાએ ૪૦ કિલો સભર કેટેગરીમાં, ૧૩ વર્ષીય અદ્વિકા ચંદ્રાએ ૪૫ કિલો કેટેગરીમાં અને ૧૩ વર્ષીય યસ્વી પટેલે ૬૦ કિલો કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઉપરાંત સિનિયર કેટેગરીમાં કાર્તિક થયાલે પણ ગોલ્ડ મેડલ મેળવી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. આ તમામ ખેલાડીઓએ પોતાની ઉત્કૃષ્ટ ટેકનિક, કડક શિસ્ત, આત્મવિશ્વાસ અને ફાઈટિંગ સ્પિરિટ દ્વારા સમગ્ર વેસ્ટ ઝોન, ગુજરાત તથા વડોદરાનું ગૌરવ વધાર્યું છે. સ્પર્ધા દરમિયાન ખેલાડીઓની ઝડપ, સંતુલન અને સ્ટ્રેટેજી પ્રશંસનીય રહી હતી.


આ મહત્વપૂર્ણ વિજય પાછળ ખેલાડીઓના કોચ શિહાન જેસલ પટેલ, સેન્સેઇ રવિ પાટીલ તથા સેન્સેઇ મહેન્દ્ર મકવાણાની સતત ટ્રેનિંગ, કડક મહેનત અને યોગ્ય માર્ગદર્શનનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. તેમના અનુભવ અને આયોજનબદ્ધ તાલીમના કારણે ખેલાડીઓ આ ઉચ્ચ સ્તરની સફળતા મેળવી શક્યા છે.

આ ચારેય વિજેતા ખેલાડીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે. આશા વ્યક્ત કરવામાં આવી છે કે આવનારા સમયમાં આ ખેલાડીઓ કોમનવેલ્થ ગેમ્સ તેમજ ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને રાજ્ય અને દેશનું નામ વિશ્વ મંચ પર ગૌરવપૂર્વક ઉજાગર કરશે.

Share :

Leave a Comments