વડોદરાના એન્જિનિયરને 6 લાખની લોનની લાલચ આપી, બનાવટી દસ્તાવેજોથી 5.29 લાખ પડાવ્યા

ઓનલાઈન લોનની લાલચમાં એન્જિનિયર સાથે લાખોની સાયબર ઠગાઈ

MailVadodara.com - Vadodara-engineer-swindled-out-of-5-29-lakh-using-forged-documents-after-being-lured-with-the-promise-of-a-6-lakh-loan

- બનાવટી લોન એકાઉન્ટ અને રસીદથી એન્જિનિયર સાથે છેતરપિંડી કરી

- બજાજ ફાઇનાન્સના નામે અલગ-અલગ બેંક એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરાવી, સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ

વડોદરામાં ઓનલાઈન લોન મેળવવાની લાલચ આપી એન્જિનિયર સાથે લાખો રૂપિયાની ઠગાઈ આચરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ઠગબાજોએ બજાજ ફાઇનાન્સના નામે બોગસ દસ્તાવેજો, ખોટા બેંક ખાતાઓ અને ડિજિટલ છેતરપિંડી દ્વારા આશરે રૂ. 5,29,310ની ઠગાઈ આચરતા સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદી એક ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરે છે. આ યુવકને રૂપિયા 6 લાખની લોન ઓનલાઈન અપાવવાની લાલચ આપવામાં આવી હતી. આ માટે ફરિયાદીને અગાઉથી નક્કી કરેલા અલગ-અલગ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી દ્વારા કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો. સાથે પ્લેસ્ટોર પરથી બજાજ ફાઇનાન્સની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં લોગિન કરાવ્યું હતું.

ત્યારબાદ રૂ. 6,00,000 ની જગ્યાએ મનસ્વી રીતે રૂ. 8,78,736 ની લોન મંજૂર કરાવડાવી હતી. આ પ્રક્રિયા દરમિયાન ફરિયાદી બેંક ખાતામાં આવેલી વધારાની રકમ એટલે કે રૂ. 2,79,308 અલગ-અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ ઠગાઈને વધુ વિશ્વસનીય બનાવવા માટે આરોપીઓએ બજાજ ફાઇનાન્સનો ખોટો લોન એકાઉન્ટ નંબર ઇશ્યુ કરાવ્યો હતો.

આ સાથે ઠગાઈ કરનાર આરોપી દ્વારા વિશ્વાસમાં લેવા માટે બજાજ ફાઇનાન્સના નામની સહી-સિક્કાવાળી બનાવટી રિસિપ્ટ તૈયાર કરી ઈમેલ દ્વારા મોકલી આપવામાં આવી હતી, જેથી આ બનાવટી રિસિપ્ટ સાચી હોવાનો ભ્રમ ઊભો થઈ શકે. ત્યારબાદ ત્રણ મહિના સુધી લોનનો EMI ભરીને લોન સેટલમેન્ટ કરાવવાના બહાને આરોપીઓએ બજાજ ફાઇનાન્સના નામે ખોટા બેંક એકાઉન્ટ મોકલી વધુ રૂ. 2,50,002 ઓનલાઈન ઈલેક્ટ્રોનિક માધ્યમથી ટ્રાન્સફર કરાવી લીધા હતા. આમ, કુલ મળીને આશરે રૂ.5,29,310 જેટલી માતબર રકમ પરત ન કરતા સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોધાઈ હતી.

Share :

Leave a Comments