હંગેરીના વર્ક વિઝાના બહાને વડોદરાના કન્સલ્ટન્ટની રાજકોટના યુવક સાથે રૂા.1.04 લાખની છેતરપિંડી

વર્ક પરમિટના નામે યુવાન સાથે ઠગાઈ, વિઝા કન્સલ્ટન્ટ સામે ગોરવા પોલીસમાં ફરિયાદ

MailVadodara.com - Vadodara-consultant-defrauds-Rajkot-youth-of-1-04-lakh-under-the-pretext-of-a-Hungary-work-visa

- રૂ.1.40 લાખ લીધા બાદ માત્ર રૂ.36 હજાર પરત આપ્યા, ગોરવા પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટના એક યુવાનને હંગેરીમાં વર્ક પરમિટ વિઝા અપાવવાની લાલચ આપી વડોદરાના વિઝા કન્સલ્ટન્ટે 1.40 લાખ રૂપિયા લીધા હતાં. વિઝા પ્રક્રિયા પૂર્ણ ન થતાં આરોપીએ માત્ર 36 હજાર રૂપિયા પરત આપ્યા હતા, જ્યારે બાકીના રૂ.1.04 લાખ પરત ન આપતા ભોગ બનનાર યુવાને વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

રાજકોટના ધોલેરીયાનગર વિસ્તારમાં રહેતા 27 વર્ષીય જયદીપ રમેશભાઈ ચોટાલીયાએ ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના મિત્ર વડોદરાની એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હોવાથી તેમની ઓળખાણ રાહુલકુમાર મનુભાઈ વણકર સાથે કરાવી હતી. રાહુલકુમાર પોતે રાઠોડ એન્ટરપ્રાઇઝના નામે વિઝા કન્સલ્ટન્સીનો વ્યવસાય કરતો હોવાનું જણાવી હંગેરીમાં વર્ક પરમિટ વિઝા કરાવી આપવાનો વાયદો કર્યો હતો.

આરોપીએ વિઝા પ્રક્રિયા માટે રૂ.1.40 લાખ લેવાની અને 6 મહિનામાં કામ પૂર્ણ કરી આપવાની ખાતરી આપી હતી. તેમજ જો કોઈ કારણસર કામ ન થાય તો 45 દિવસમાં સંપૂર્ણ રકમ પરત આપવાની લેખિત ખાતરી પણ આપી હતી. તેના વિશ્વાસમાં આવી ફરિયાદીએ જુલાઈ-2025 દરમિયાન અલગ-અલગ હપ્તામાં રૂ.1.40 લાખની રકમ ચૂકવી હતી અને જરૂરી દસ્તાવેજો પણ સોંપ્યા હતા.

નક્કી કરેલા સમય બાદ પણ હંગેરીનું વર્ક પરમિટના વિઝા મળ્યા નહોતા. પૂછપરછ કરતાં આરોપીએ કામ નહીં થઈ શકે તેમ જણાવી રકમ પરત આપવાનું કહ્યું હતું. ત્યારબાદ માર્ચ-2026 દરમિયાન માત્ર 36 હજાર રૂપિયા પરત આપ્યા હતા, પરંતુ બાકીના રૂ.1.04 લાખ અનેક વખત માંગણી કરવા છતાં પરત આપ્યા નહોતા અને સતત ગલ્લાતલ્લા કરતો હતો.

આરોપીએ હંગેરીમાં વર્ક પરમિટ અપાવવાના બહાને વિશ્વાસ કેળવી નાણાં પડાવી લીધા, પરંતુ વચન મુજબ કામ પણ ન કર્યું અને બાકીની રકમ પણ પોતાના અંગત ઉપયોગમાં લઈ આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. ગોરવા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments