યુવક સાથે લગ્ન કરવાનું કહી વડોદરાની દુલ્હન અને તેની માતા 1 લાખ રોકડા, દાગીના અને કપડાં લઈ ભાગી ગઇ

ખંભાતમાં રહેતા યુવકે બાપોદ પોલીસ સ્ટેશનમાં દુલ્હન અને તેની માતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

MailVadodara.com - Vadodara-bride-and-her-mother-ran-away-with-Rs-1-lakh-cash-jewellery-and-clothes-after-being-asked-to-marry-a-young-man

- યુવકના પરિવારને પાણીગેટ ખાતે ઉભા રાખી માંડવી મંદિરે મંગળસૂત્ર પહેરાવવાનું છે કહી વરરાજાને લઈ જઇ હાર લેવાના બહાને યુવકને નીચે ઉતારી માતા-પુત્રી રીક્ષામાં ભાગી ગઈ

- છોકરીને સોનાની જડ, ચાંદીનું મંગલસુત્ર, ચાંદીના છડા અને દુલ્હનના કપડા આપ્યા હતા

આણંદ જિલ્લાના ખંભાતમાં રહેતા યુવકને લગ્ન કરવાનું કહીને વડોદરામાં રહેતી યુવતી અને તેની માતા રૂપિયા એક લાખ રોકડા, સોનાની જડ, ચાંદીનું મંગળસૂત્ર, કપડા સહિતનો સામાન લઈને ફરાર થઈ ગઈ હતી. યુવકના પરિવારને પાણીગેટ ખાતે ઉભા રાખી માંડવી મંદિરે મંગળસૂત્ર પહેરાવવાનું છે તેમ કહી વરરાજાને લઈ ગઈ. જ્યાં હાર લેવાના બહાને યુવકને નીચે ઉતારી માતા અને પુત્રી રીક્ષામાં ભાગી ગઈ હતી. યુવકે બાપોદ પોલીસ સ્ટેશનમાં દુલ્હન અને તેની માતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આણંદ જિલ્લાના ખંભાતમાં રહેતા રાજવીર ઉર્ફે રાજુ રમણભાઇ રાઠોડે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, મારા લગ્ન થયેલા ન હોય લગ્ન કરવા માટે મારા ભાણેજ જીતેન્દ્ર કિરીટભાઈ વણકરની પત્ની પારૂલબેને તેઓના ઓળખીતા મીનાબેન મરાઠી (રહે. બાજવા બ્રિજની બાજુમાં વડોદરા)ને મારા લગ્ન માટેની વાત કરી હતી, જેથી મીનાબેન મરાઠીએ મારો મોબાઇલ નંબર મનુભાઈ ભુવાજી નામના વ્યક્તિને આપ્યો હતો.

ગત 4 સપ્ટેમ્બરના સવારના આશરે 11 વાગ્યાની આસપાસ ભાણેજ પારૂલબેનનો ફોન આવ્યો હતો કે, મામા આપણે વડોદરા છોકરી જોવા જવાનું છે, તમે આવી જાઓ. જેથી હું પારૂલબેનને લઈને બાજવા ગયો હતો અને બાજવાથી મીનાબેન મરાઠીને લઈ મીનાબેન અમને આજવા ચોકડી ખાતે બપોરના 3.30 વાગ્યે લઈ આવ્યા હતા. આજવા ચોકડી આવી મોનાબેને મનુભાઈ ભુવાજીને ફોન કરી આજવા ચોકડી બોલાવેલા અને મનુભાઈ ભુવાજી અમને આજવા રોડ કમલાનગર તળાવ પાસે આવેલા ચાચા નહેરૂ નગરમાં રહેતા મીનાબેન જેઓ પગે અપંગ છે તેમના ઘરે લઈ ગયા હતા. જ્યાં એમણે પુજા નામની છોકરી બતાવી હતી. જે છોકરીની માતા મીનાબેન અપંગ છે, તેવી વાત કરી હતી.

ત્યારબાદ મેં તથા પુજાએ એકબીજાના મોબાઈલ નંબરોની આપ-લે કરી હતી. છોકરી જોઈ ઘરની બહાર નીકળતી વખતે મનુભાઈ ભુવાજીએ મને લગ્ન માટે લેવડ દેવડ કરવી પડશે, જેમાં 2 લાખ રોકડા તથા સોનાની જડ, ચાંદીનું મંગળસુત્ર, ચાંદીના છડા તથા દુલ્હનના કપડા આપવા પડશે તેમ જણાવતા અમે મનુભાઈ ભુવાજીને કહ્યું હતું કે, ઘરે જઈને વિચારી તમને ફોન ઉપર જણાવી દઇશું તેમ કહીને અમે ઘર જતા રહ્યાં હતા.

ભુવાજીએ ફોન કરી લગ્નનું શું કરવાનું છે તેમ વાત કરતાં મેં લેવડદેવડ વધારે છે, જેથી મારે લગ્ન કરવું નથી તેમ જણાવ્યું હતું. બે દિવસ પછી પૂજાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, ફરીવાર વડોદરા આવો લાખ રૂપિયામાં નક્કી કરી દઈએ તેમ જણાવતા હું તથા મારા મોટાભાઈ જયેશભાઈ પરિજનો સાથે વડોદરા ખાતે મીનાબેનના ઘરે ગયા હતા, ત્યાં મીનાબેન તથા પુજાબેન મળતા એક લાખ રૂપિયા રોકડા, સોનાની જડ, ચાંદીનું મંગલસુત્ર તથા ચાંદીના છડા તથા દુલ્હનના કપડા આપવાની અને ફુલહાર કરી પુજાબેનને લઈ જજો તેવી વાત નક્કી થઈ હતી.

ત્યારબાદ મીનાબેનને એક લાખ રૂપિયા રોકડા, સોનાની જડ, ચાંદીનું મંગલસુત્ર, ચાંદીના છડા અને દુલ્હનના કપડા આપ્યા હતા. ત્યારબાદ અમે માંડવી જવા નીકળ્યા હતા. હતા. તે વખતે પાણીગેટ પોલીસ સ્ટેશન આવતા મીનાબેને સંબંધીની ગાડી ઉભી રખાવી માંડવી સુધી ગાડી નહીં જાય જેથી તમે ગાડી સાથે બધા પાણીગેટ પોલીસ સ્ટેશન ઉભા રહો, અમે રિક્ષા લઈ માંડવી જઈ મંગળસુત્ર તથા માગ ભરાવી પાછા આવી જઈએ તેમ જણાવ્યું હતું.

હું તથા મીનાબેન તથા પુજા રિક્ષામાં માંડવી જતા હતા, ત્યારે મીનાબેને માતાજીને ચડાવવા ફૂલ લઈ આવો, તેમ કહેતા હું ફુલહાર લેવા ઉતર્યો હતો. એ વખતે રિક્ષા લઈ ભાગી ગયા હતા. મેં રિક્ષા ઉભી રાખવા બુમો પાડી પરંતુ રિક્ષા ઉભી રાખી નહોતી. આમ લગ્ન કરવાનું કહી યુવતી અને તેની માતા એક લાખ રોકડા, સોનાની જડ, ચાંદીનું મંગલસૂત્ર તથા ચાંદીના છડા તથા દુલ્હનના કપડા લઈને ભાગી ગયા હતા. પોલીસે આ લૂટેરી દુલ્હન સહિતની ગેંગને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

Share :

Leave a Comments