- તરસાલીના વિશાલનગરના મકાનમાંથી અનલોડ પિસ્તોલ મળી UPથી પિસ્તોલ ખરીદી મિત્રને 90 હજારમાં વેચ્યાની કબૂલાત, મકરપુરા પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો
- મૂળ UPના અને વડોદરામાં રહેતા ગીરીશ સોલંકીએ UP સ્થિત પરિવારમાં ઝઘડા ચાલતા હોવાથી મિત્ર શિવમ પાસેથી પિસ્તોલ મંગાવી હતી
વડોદરા શહેરમાં શ્રાવણ માસ અને આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને હથિયારોની ગેરકાયદેસર ખરીદ-વેચાણ તથા હેરાફેરી અટકાવવા SOG દ્વારા હાથ ધરાયેલી કામગીરીમાં રૂ.90 હજારની પિસ્તોલ સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે. પિસ્તોલ વેચાણ કરનાર સહિત બે અન્ય આરોપીઓ સામે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
વડોદરા SOGની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમીના આધારે શીવમ ઉર્ફે સાધુ ગુલાબશંકર મિશ્રાને સાથે રાખીને તેના મિત્રના તરસાલી સ્થિત મકાનમાં તપાસ કરવામાં આવી હતી. તરસાલીના વિશાલનગર ખાતે મકાન નંબર-872માં બે પંચોની હાજરીમાં હાથ ધરાયેલી તપાસ દરમિયાન એક પિસ્તોલ મળી આવી હતી. પોલીસે રૂપિયા 90,000ની કિંમતની અનલોડ હાલતમાં રહેલી ફાયરઆર્મ્સ પિસ્તોલ કબજે કરી હતી.
પોલીસની પૂછપરછમાં આરોપી શિવમે પિસ્તોલ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના હાટા ગામે રહેતા આશુતોષ મિશ્રા પાસેથી ખરીદી હોવાનું અને ત્યારબાદ મૂળ UPના અને વડોદરામાં રહેતા તેના મિત્ર ગીરીશ મુળજીભાઈ સોલંકીને રૂપિયા 90,000માં વેચી હોવાનું જણાવ્યું હતું. ગીરીશના UP સ્થિત પરિવારમાં ઝઘડા ચાલતા હોવાથી મિત્ર શિવમ પાસેથી પિસ્તોલ મંગાવી હતી.
પિસ્તોલ ગેરકાયદેસર રીતે અને કોઈપણ લાયસન્સ વિના રાખવામાં આવી હોવાનું સામે આવતા આરોપી વિરુદ્ધ મકરપુરા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ તથા હથિયારબંધીના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે જ પિસ્તોલના સોદામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોળ તથા સમગ્ર હથિયારના નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ ગુનામાં પકડાયેલા આરોપી તરીકે શીવમ ઉર્ફે સાધુ ગુલાબશંકર મિશ્રા, (રહે. કલ્પતરુ એપાર્ટમેન્ટ, SBI બેંકની બાજુમાં, લાલબાગ બ્રિજ નીચે, વડોદરા. મૂળ વતન ગામ મિશ્રપુર, તા. કોરાવ, જી. પ્રયાગરાજ, ઉત્તરપ્રદેશ) છે. જ્યારે ગુનામાં વોન્ટેડ આરોપીઓમાં ગીરીશભાઈ મુળજીભાઈ સોલંકી (રહે. મકાન નં.872, વિશાલનગર, તરસાલી, વડોદરા) તથા આશુતોષ મિશ્રા (રહે. ગામ હાટા, જી. પ્રયાગરાજ, ઉત્તરપ્રદેશ)નો સમાવેશ થાય છે.
પોલીસે પિસ્તોલના સોદામાં સંડોવાયેલા બંને વોન્ટેડ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. ઉપરાંત ગેરકાયદેસર હથિયાર ક્યાંથી મેળવવામાં આવ્યું અને આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


