- પાદરાના સરસવણી ગામ તરફથી મોટરસાયકલ પર આવતા બે શખસોને રોકીને તપાસ કરતાં શોર્ટ ગન 12 બોર ડબલ બેરેલ એક નંગ સાથે એક નંગ કારતુસ મળતાં જપ્ત કરાઇ
વડોદરા ગ્રામ્ય SOG પોલીસની ટીમે પાદરા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે શોર્ટ ગન 12 બોર ડબલ બેરેલ (અગ્નિશસ્ત્ર) સાથે બે આરોપીઓને ઝડપી પડ્યા છે. આ મામલે પાદરા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન પોલીસ ઇન્સ્પેક્ટર બી.એન.ગોહિલ તથા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.સિસોદીયા દ્વારા ટીમો રચીને ગેરકાયદેસર હથિયાર રાખનારા તત્વો પર વોચ રાખમાં આવી રહી છે. દરમિયાન પાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન સાધી ગામ પાસે મળેલી ચોક્કસ બાતમીના આધારે SOG ટીમે વોચ ગોઠવી હતી.

આ દરમિયાન પાદરાના સરસવણી ગામ તરફથી મોટરસાયકલ પર આવતા બે શખસોને રોકીને તપાસ કરતાં તેમની પાસેથી શોર્ટ ગન 12 બોર ડબલ બેરેલ (અગ્નિશસ્ત્ર) એક નંગ સાથે એક નંગ કારતુસ જપ્ત કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં પોલીસે મહેબુબખા કેસરખા પઠાણ (ઉંમર 45, રહે. રણું વાળા રોડ ઉપર, સાધી, તા. પાદરા, જિ. વડોદરા) અને ઇનાયતભાઇ ઉસ્માનભાઇ ઘાંચી (ઉંમર 25 રહે. સાધી, તળાવવાળુ ફળીયુ, તા. પાદરા, જિ. વડોદરા) ને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસમાં ત્રીજો આરોપી જાફર બાપુ (રહે. વડોદરા શહેર) હજુ ફરાર છે, જેની શોધખોળ ચાલુ છે. આ કાર્યવાહીમાં પોલીસે કુલ રૂપિયા 60,050 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં શોર્ટ ગન 12 બોર ડબલ બેરેલ (અગ્નિશસ્ત્ર) એક, બાઈક, મોબાઈલ ફોન બે ઝડપી પાદરા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


