- લક્ષ્યાંક કરતાં 2.52 કરોડ વધુ આવક નોંધાઈ, ટિકિટ ચેકિંગ ઝુંબેશને આવક વધારવામાં મદદ મળી
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળે સપ્ટેમ્બર, 2026માં મુસાફર આવકના ક્ષેત્રે અનોખી સિદ્ધિ મેળવી છે. મંડળે સપ્ટેમ્બર માસ માટે નક્કી કરવામાં આવેલો માસિક મુસાફર આવકનો લક્ષ્યાંક મહિનાની સમાપ્તિના ચાર દિવસ પહેલાં જ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. રેલવે સુવિધાઓમાં સુધારો અને ટિકિટ ચેકિંગની કડક ઝુંબેશના કારણે વડોદરા મંડળે શ્રેષ્ઠ કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
રેલવે વિભાગ દ્વારા સપ્ટેમ્બર માસ માટે કુલ 64.88 કરોડની આવકનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. તેની સામે વડોદરા મંડળે 26 સપ્ટેમ્બર, 2026 સુધીમાં જ કુલ 67.40 કરોડની મુસાફર આવક એકત્ર કરી લીધી છે. આમ, નિર્ધારિત લક્ષ્યાંક કરતાં 2.52 કરોડ એટલે કે આશરે 4 ટકા વધુ આવક નોંધાવીને વડોદરા મંડળે શ્રેષ્ઠ કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વાણિજ્ય વિભાગની આ નોંધપાત્ર સફળતા અંગે માહિતી આપતાં વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક રાજેશ મથુરિયાએ જણાવ્યું કે, આ સિદ્ધિ મંડળના અધિકારીઓ અને તમામ કર્મચારીઓની કાર્ય પ્રત્યેની અથાક પ્રતિબદ્ધતા તેમજ સંકલિત પ્રયાસોનું પરિણામ છે.
વડોદરા મંડળ દ્વારા મુસાફરોની સુવિધાઓમાં સતત સુધારાઓ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે રેલવે સેવાઓ પ્રત્યે મુસાફરોનો વિશ્વાસ વધ્યો છે. આ ઉપરાંત, ટિકિટ વગર મુસાફરી કરતા લોકો પર કડક અંકુશ મેળવવા માટે સઘન અને અસરકારક ટિકિટ તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે, જેણે આવક વધારવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. વડોદરા મંડળ મુસાફરોને સુરક્ષિત, સુગમ અને ગુણવત્તાયુક્ત રેલ સેવાઓ પૂરી પાડવા માટે સતત કટિબદ્ધ રહ્યું છે.
રેલ મુસાફરો માટે ટિકિટિંગ વ્યવસ્થાને વધુ સરળ અને સુવિધાજનક બનાવવાની સાથે સાથે આવકના નવા સ્ત્રોતો અને ઉપાયો પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. મંડળના આ પરિણામલક્ષી પ્રયાસોથી માત્ર મુસાફર સુવિધાઓમાં જ સુધારો નથી થયો, પરંતુ વિભાગીય આવકમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. ભવિષ્યમાં પણ નિર્ધારિત લક્ષ્યાંકોથી આગળ વધીને શ્રેષ્ઠ કામગીરી દાખવવાની દિશામાં વડોદરા મંડળ સતત પ્રયત્નશીલ રહેશે.


