વડોદરા પાલિકા દ્વારા ગાંધીનગર ગૃહનું રિનોવેશન કરાશે, બજેટમાં રૂપિયા 38 કરોડની ફાળવણી કરાઈ

વડોદરાને 1035 બેઠકનું પ્રથમ આધુનિક ગાંધીનગર ગૃહ મળશે, બાલ્કની સાથેનો લુક અપાશે

MailVadodara.com - Vadodara-Municipal-Corporation-will-renovate-Gandhinagar-House-Rs-38-crore-allocated-in-the-budget

- નવા ગાંધીનગર ગૃહને હેરિટેજ લુક આપવામાં આવશે, પાર્કિંગની સમસ્યા નિવારવા બેઝમેન્ટ પાર્કિંગની વ્યવસ્થા

- આગામી અઢી વર્ષમાં નવું ગાંધીનગર ગૃહ તૈયાર થઇ જાય તેવો અંદાજ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગાંધીનગર ગૃહનું રિનોવેશન કાર્ય હાથ ધરવામાં આવશે. શહેરને નવું ઓડિટોરિયમ મળી રહે તે માટે હાલમાં ડીપીઆર તૈયાર કરી દેવામાં આવ્યો છે. આગામી અઢી વર્ષમાં નવું ગાંધીનગર ગૃહ તૈયાર થઇ જાય તેવો અંદાજ છે. આ વખતે મહાનગરપાલિકા દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં પણ તેના માટેની નાણાંની ફાળવણી કરી દેવામાં આવી છે.

વડોદરા પાલિકા દ્વારા નગરજનોને એક નવલું નજરાણું આપવામાં આવશે. હાલમાં જે સ્થળે ગાંધીનગર ગૃહ છે, તે જ સ્થળે નવું ઓડિટોરિયમ બનાવવા માટેનો એક્શન પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. 2153 સ્કવેર ફૂટમાં વિસ્તરેલું આ ગૃહ નવા આકર્ષણ સાથે ઉભું કરવામાં આવશે.

કોર્પોરેશન દ્વારા તેની ડિઝાઇન તૈયાર કરી દેવામાં આવી છે. હાલમાં આ નવા ઓડિટોરિયમના ખર્ચની મંજૂરી માટે કમિશનર પાસે મોકલવામાં આવી છે. હાલમાં આ ગૃહ 912 વ્યક્તિઓની બેઠક વ્યવસ્થા સાથેનું છે જેમાં વધારો કરીને 1035 ની સીટિંગ એરેન્જમેન્ટ કરવામાં આવશે.

ઓડિટોરિયમને બાલ્કની સાથેનો લુક આપવામાં આવશે. સાંપ્રત સમયને ધ્યાનમાં રાખીને અત્યાધુનિક સાધનોથી આ ઓડિટોરિયમને સજ્જ કરવામાં આવશે. આ ઓડિટોરિયમનો અંદાજિત ખર્ચ 38 કરોડની આસપાસનો આંકવામાં આવ્યો છે. હાલમાં જે જૂનું ગાંધીનગર ગૃહ છે તેની પાસેના શૌચાલયનો ભાગ પણ આ બાંધકામમાં આવરી લેવામાં આવશે અને મોટું ઓડિટોરિયમ બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આસપાસની પણ થોડી જગ્યા આ ઓડિટોરિયમમાં સમાવિષ્ટ થઇ જશે.

હાલમાં ગાંધીનગર ગૃહની આસપાસ સૌથી મોટી સમસ્યા પાર્કિંગની છે. જેનો નિવેડો લાવવા માટે નવા ઓડિટોરિયમમાં બેઝમેન્ટ પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. બેઝમેન્ટ અને સેમી બેઝમેન્ટ એમ બે પ્રકારના પાર્કિંગ હશે. આ પાર્કિંગમાં 55 ફોર વહીલર અને 100 ટુ વહીલર પાર્ક કરી શકાય તેવી વ્યસ્થા ઉભી કરવામાં આવશે.

વડોદરા મહાનગરપાલિકાના ઇન્ચાર્જ સીટી એન્જીનીયર પ્રમોદ વસાવાએ જણાવ્યું હતું કે, નવા ગાંધીનગર ગૃહને હેરિટેજ લુક આપવાનો પ્રયાસ કરવામાં આવશે. વડોદરા શહેરની ઓળખ પ્રમાણે તેની ડિઝાઇન કરવામાં આવશે તેઓએ ઉમેર્યું હતું કે, ખર્ચની મંજૂરી મળ્યા બાદ ટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં આવશે અને વર્ક ઓર્ડર આપ્યા બાદ 24 મહિનામાં આ કામ પૂર્ણ કરવામાં આવશે.

   નવા ઓડિટોરિયમમાં આ સુવિધાઓ હશે

- જગ્યાના ઉપયોગને શ્રેષ્ઠ બનાવવા માટે અર્ધ-ભોંયરામાં પાર્કિંગની જોગવાઈ

- વધેલી વાહન ક્ષમતાને સમાવવા માટે સંપૂર્ણ ભોંયરામાં પાર્કિંગનો ઉમેરો

- વધુ ઓક્યુપન્સી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે 1,044 બેઠક વ્યવસ્થાનો સમાવેશ.

- પ્રેક્ષકોની ક્ષમતા અને આરામ વધારવા માટે મોટી બાલ્કની બેઠક વિસ્તારનો સમાવેશ.

- અપગ્રેડ કરેલ કાર્યાત્મક અને અવકાશી જરૂરિયાતોને ટેકો આપવા માટે ઓડિટોરિયમ બિલ્ડિંગના કદનું વિસ્તરણ.

- વડોદરા શહેરના ગીચ વિસ્તારના પાર્કિંગની સમસ્યાને દૂર કરવાના હેતુથી બેઝમેન્ટ બાંધકામ

- બેઝમેન્ટ વેન્ટિલેશન અને બેઝમેન્ટ ફાયર ડિટેક્શન સિસ્ટમ

- અદ્યતન સ્તરની ફાયર અને સ્મોક ડિટેક્શન સિસ્ટમ

Share :

Leave a Comments