- આ બોન્ડનો ઉપયોગ સામાન્ય રીતે શહેરના વિકાસ પ્રોજેક્ટ્સ જેમ કે રસ્તાઓનું નિર્માણ, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા સુધારવી, પૂલ બાંધવા, જાહેર પરિવહન સુવિધાઓ વિકસાવવી, બગીચાઓ બનાવવું અથવા અન્ય માળખાકીય સુવિધાઓના નિર્માણ માટે ભંડોળ પૂરું પાડવા માટે થાય છે
વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાલ સુધીમાં બે વખત બોન્ડ બહાર પાડવામાં આવ્યા છે, જેમાં રોકાણકારોએ અભૂતપૂર્વ ઉત્સાહ બતાવ્યા બાદ આગામી દિવસોમાં હવે નવો પબ્લિક ઈશ્યુ બહાર પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. બ્લ્યુ બોન્ડનો આ પબ્લિક ઈશ્યુ 200 કરોડનો હશે, જેમાં નાના રોકાણકારો પણ ભાગ લઈ શકે તેવું આયોજન છે.
મ્યુનિસિપલ બોન્ડ એક પ્રકારનું એવું સાધન છે જે સ્થાનિક સરકારી સંસ્થાઓ, જેમ કે મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અથવા અન્ય સ્થાનિક સત્તાવાળાઓ, દ્વારા જાહેર જનતા પાસેથી ભંડોળ એકત્ર કરવા માટે બહાર પાડવામાં આવે છે. આ બોન્ડ ઇશ્યુ કરીને, મહાનગરપાલિકા રોકાણકારો પાસેથી પૈસા ઉધાર લે છે અને તેના બદલામાં રોકાણકારોને નિશ્ચિત વ્યાજ દરે સમયાંતરે વ્યાજ ચૂકવવાનું વચન આપે છે.
બોન્ડની પાકતી મુદત પૂરી થતા, મહાનગરપાલિકા રોકાણકારોને મૂળ રકમ પાછી ચૂકવે છે. આ બોન્ડનો ઉપયોગ સામાન્ય રીતે શહેરના વિકાસ પ્રોજેક્ટ્સ જેમ કે રસ્તાઓનું નિર્માણ, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા સુધારવી, પૂલ બાંધવા, જાહેર પરિવહન સુવિધાઓ વિકસાવવી, બગીચાઓ બનાવવું અથવા અન્ય માળખાકીય સુવિધાઓના નિર્માણ માટે ભંડોળ પૂરું પાડવા માટે થાય છે.
કેટલાક રોકાણકારો સલામત રોકાણ કરવા ઉપર ભાર મુકતા હોય છે. કોર્પોરેશને બહાર પાડેલા બોન્ડમાં ફિક્સ વ્યાજ નક્કી કરવામાં આવે છે જે દર છ મહિને તેઓને મળી જાય છે. જ્યારે મુદત પાકે ત્યારે તેઓએ રોકાણ કરેલી રકમ પરત મળી જાય છે. રોકાણકારોને બોન્ડમાં રોકાણ કરવામાં સલામતી એટલા માટે અનુભવાય છે, કારણ કે સરકારી સંસ્થા ક્યારેય ડૂબવાની નથી. આ ઉપરાંત અન્યત્ર ઈન્વેસ્ટ કરવા કરતા સારું અને સલામત વળતર મળે છે.
વડોદરા મહાનગરપાલિકાના ચીફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારીએ જણાવ્યું હતું કે, કોર્પોરેશન જો વિકાસના કામો માટે કોઈ બેન્ક પાસે લોન મેળવવા માટે જાય તો પાલિકાએ તેની સામે બમણી સિક્યુરિટી આપવી પડે છે. જ્યારે સામે બોન્ડના કારણે તે વ્યાજદર પણ ઓછું થાય છે. આ ઉપરાંત વડોદરા મહાનગર પાલિકાએ સફળતા પૂર્વક બોન્ડ પાર પાડ્યા, જેના કારણે ભારત સરકારે પાલિકાને રૂ.13 કરોડ ઈન્સેન્ટિવ આપ્યું, જેથી આ વ્યાજમાં પણ બે ટકા ઘટાડો થઇ ગયો.
સરળ ભાષામાં સમજીએ તો પાલિકાએ પ્રથમ બોન્ડ 7.15 ટકાએ બહાર પાડ્યો હતો, જેની સામે ભારત સરકારે 13 કરોડ આપ્યા હતાં, જેથી પાલિકાને વ્યાજમાં બે ટકા ઘટાડો થઇ ગયો. આ ઉપરાંત કોર્પોરેશન દર મહિને પાલિકા દ્વારા વ્યાજદરની રકમ અને મુદ્દલની રકમ સાઈડમાં મુકવામાં આવી હતી. વ્યાજ દર છ મહિને ચુકવવામાં આવે છે તે રકમ સિવાયની રકમ ફિક્સ ડિપોઝિટમાં મુકવામાં આવે છે, જેથી પાંચ વર્ષને અંતે તેઓએ મેળવેલા બોન્ડ પેટે તેઓને માત્ર 2થી 2.5 ટકા જ રકમ વ્યાજ ચૂકવવું પડે છે. જે બેંક લોન કરતા ખુબ ઓછું હોય છે.
કોર્પોરેશને અગાઉ ગ્રીન બોન્ડ બહાર પાડયા હતા. આ બોન્ડ થકી જે પ્રોજેક્ટ ઉભા કરાયા તેના આધારે પ્રદુષણમાં નિયંત્રણ કરવાનો પ્રયાસ કરાયો. અગાઉ ઉંડેરા અને શેરખી એસટીપી બનાવ્યું હતું. આ પ્રોજેક્ટ ડ્રેનેજ માટે હતો. જો આ પ્રોજેક્ટ ન થાય તો પ્રદુષણ કેટલું થશે તે અંગેનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. જેના ઉપર ઇન્ટરનેશનલ એજન્સીના માન્ય ઓડિટરોએ ચકાસ્યું અને પેરામીટરમાં બેઠા બાદ વીએમસીને પ્રથમ ઇન્ટરનેશનલ સર્ટિફિકેટ મળ્યું હતું. જે એશિયામાં પ્રથમ મહાનગરપાલિકા છે.
વડોદરાના સામાન્ય નાગરિકો પણ આગામી સમયમાં પાડનાર ઈશ્યુ ખરીદી શકશે. પાલિકા અંદાજે 10,000ના ગુણાંકમાં રોકાણ કરી શકશે. જેનું ફિક્સ વ્યાજ નક્કી કરવામાં આવશે અને તે બાદ ઈશ્યુ જાહેર કરવામાં આવશે. વડોદરાના નાગરિકો પણ કોર્પોરેશન સાથે એટેચ થાય અને તેની કામગીરીમાં પોતાની જનભાગીદારી છે તેવું સમાજે તેવો આની પાછળ આશય છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરા મહાનગરપાલિકાએ અગાઉ બે બોન્ડ બહાર પાડયા હતા. હવે બ્લુ બોન્ડ ના પબ્લિક ઈશ્યુ બહાર પાડવા માટેનો તખ્તો તૈયાર થઇ ચુક્યો છે. આ બ્લુ બોન્ડ થકી જનભાગીદારીથી શહેરની પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માટેનો પ્રયાસ કરવામાં આવશે. બજેટમાં બ્લુ બોન્ડ ઈશ્યુ જાહેર કરવા માટેની જાહેરાત બાદ સ્ટેન્ડિંગ સમિતિની બેઠકમાં આ અંગે એજન્સીની નિમણૂક સહિતના કામો મંજૂર કરવા માટેની દરખાસ્ત મુકવામાં આવી હતી, જેને મંજૂરી આપી દેવામાં આવી છે અને તે અંગેની સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવી છે.
1 માર્ચ, 2024ના રોજ જ્યારે બોન્ડ ઇસ્યુ માટે બીએસઇના ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ પર સબ્સ્ક્રિપ્શન થયું ત્યારે માત્ર થોડા સમયમાં જ બોન્ડ 14.6 ગણો ઓવર-સબસ્ક્રાઈબ થયો હતો. કુલ 44 બિડરો દ્વારા રૂ.1460 કરોડની બીડ મેળવી, જે ભારતના મ્યુનિસિપલ બોન્ડ ઇતિહાસમાં સૌથી વધુ સબ્સ્ક્રિપ્શન ધરાવતું ઇસ્યુ બની રહ્યું છે, જે વડોદરા કોર્પોરેશન પ્રત્યે રોકાણકારોના પ્રચંડ વિશ્વાસને દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, વડોદરા કોર્પોરેશન દ્વારા જૂની સિદ્ધિ ટકાવી રાખવા માટે ગત વર્ષે પણ રૂપિયા 100 કરોડના બોન્ડ દ્વારા નાણાં ઉઘરાવવામાં આવ્યા હતા.
બોન્ડથી થતા ફાયદા
બોન્ડ દ્વારા મહાનગરપાલિકા એકસાથે મોટા પ્રમાણમાં ભંડોળ એકત્ર કરી શકે છે, જે મોટા માળખાકીય પ્રોજેક્ટ્સ માટે જરૂરી હોય છે. બેંકો પાસેથી લોન લેવા કરતાં આ વધુ સસ્તો અને કાર્યક્ષમ વિકલ્પ સાબિત થઈ શકે છે.
બોન્ડ દ્વારા એકત્ર થયેલ ભંડોળનો ઉપયોગ શહેરના વિવિધ વિકાસ કાર્યો, જેમ કે નવા રસ્તાઓ, પાણીના પ્રોજેક્ટ્સ, ગટર સુવિધાઓ, આરોગ્ય કેન્દ્રો, શાળાઓ અને અન્ય જાહેર સુવિધાઓના નિર્માણ અને સુધારણા માટે થઈ શકે છે.
બોન્ડ સામાન્ય રીતે લાંબા ગાળાના હોય છે, જે મહાનગરપાલિકાને લાંબા ગાળાના પ્રોજેક્ટ્સ માટે સ્થિર ભંડોળ પૂરું પાડે છે અને ટૂંકા ગાળાની ધિરાણ પરની નિર્ભરતા ઘટાડે છે.
સારી ક્રેડિટ રેટિંગ ધરાવતી મહાનગરપાલિકાઓ સામાન્ય રીતે બેંક લોન કરતાં ઓછા વ્યાજ દરે બોન્ડ દ્વારા ભંડોળ મેળવી શકે છે અને મહાનગરપાલિકા માટે ભંડોળનો ખર્ચ ઘટાડે છે.
બોન્ડ બહાર પાડવાથી મહાનગરપાલિકા બેંક લોન પરની નિર્ભરતા ઘટાડીને નાણાકીય સ્વતંત્રતા મેળવે છે. આ પ્રક્રિયામાં વધુ પારદર્શિતા આવે છે, કારણ કે બોન્ડની શરતો અને ભંડોળના ઉપયોગની માહિતી જાહેર કરવી પડે છે.
સફળતાપૂર્વક બોન્ડ બહાર પાડવાથી અને તેના ભંડોળનો સારો ઉપયોગ કરવાથી શહેરની નાણાકીય શિસ્ત અને વ્યવસ્થાપન ક્ષમતા પ્રદર્શિત થાય છે, જેનાથી શહેરની છબી અને વિશ્વસનીયતામાં સુધારો થાય છે.


