- વાસણા-તાંદળજા રોડ પર કચરો ફેંકતી બે પાન અને એક ચાની દુકાન સીલ, દિવાળીપુરામાં છ એકમો અને સંતકબીર-ગેંડીગેટ વિસ્તારમાં 14 દુકાનો સીલ કરાઈ
- દુકાન આસપાસ 10 મીટરમાં ગંદકી મળશે તો પાલિકા કાર્યવાહી કરશે, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ મુજબ દુકાનદારોએ ભીના-સૂકા કચરા માટે બે ડસ્ટબિન રાખવા પડશે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સેનેટરી અને રેવન્યુ શાખાની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ અને જાહેરમાં ગંદકી કરનારા વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી. કાર્યવાહી દરમિયાન અનેક દુકાનો અને એકમોને સીલ કરી દંડ વસૂલવામાં આવ્યો હતો.
વોર્ડ નંબર-10માં વાસણા-તાંદળજા રોડ પર જાહેર માર્ગ પર કચરો ફેંકવા બદલ બે પાનની દુકાન અને એક ચાની દુકાન સીલ કરવામાં આવી હતી. જ્યારે વોર્ડ નંબર-11માં મકરંદ દેસાઈ રોડ પર જાહેરમાં કાટમાળ ઠાલવવા બદલ એક વેપારી પાસેથી રૂ.10 હજારનો દંડ વસૂલાયો હતો. દિવાળીપુરા વિસ્તારમાં એક રેસ્ટોરન્ટ, બે દુકાનો અને ત્રણ લારીધારકો સહિત કુલ છ એકમો સીલ કરાયા હતા. તેમજ ગંદકી કરવા બદલ લારીધારકો પાસેથી રૂ.12 હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
વોર્ડ નંબર-12માં વડસર રોડ ખાતે કાટમાળ ફેંકવા બદલ આસ્થા એસોસિએટ પાસેથી રૂ.20 હજારનો દંડ વસૂલાયો હતો. મીની વડસર બ્રિજ પાસે આવેલી પંજાબી રેસ્ટોરન્ટ પાસેથી સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ બદલ રૂ.3 હજારનો દંડ વસૂલાયો હતો. પશ્ચિમ ઝોન દ્વારા કુલ રૂ.45 હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો. વોર્ડ નંબર-14માં સંતકબીર રોડ અને ગેંડીગેટ વિસ્તારમાં ગંદકી કરવા બદલ 14 દુકાનો સીલ કરવામાં આવી હતી
ઉલ્લેખનીય છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જણાવ્યા મુજબ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, 2026 મુજબ દરેક દુકાનદારે ભીના અને સૂકા કચરા માટે અલગ-અલગ બે ડસ્ટબિન રાખવાના રહેશે. દુકાનની આસપાસના 10 મીટરના વિસ્તારમાં કચરો કે ગંદકી જણાશે તો કોર્પોરેશન દ્વારા નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.


