- વર્ગ-1 અને વર્ગ-2ના તમામ વરિષ્ઠ અધિકારીઓને સક્ષમ સત્તાધિકારીની પૂર્વ મંજૂરી વિના હેડક્વાર્ટર (વડોદરા શહેર) ન છોડવા માટે કડક આદેશ, માઇક્રો એક્શન પ્લાન પર કામ શરૂ
આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકા સંપૂર્ણપણે હરકતમાં આવી ગઈ છે. ચોમાસા દરમિયાન શહેરમાં પાણી ભરાવવાની સમસ્યા ન સર્જાય અને સંભવિત આપત્તિઓનો મજબૂતીથી સામનો કરી શકાય તે માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા તમામ ઝોન અને વહીવટી વિભાગોને કડક દિશાનિર્દેશો આપવામાં આવ્યા છે. તંત્ર દ્વારા પ્રી-મોન્સૂન કામગીરીને આખરી ઓપ આપવા માટે કમર કસી લેવામાં આવી છે, જેના ભાગરૂપે આગામી 1 જૂનથી કોર્પોરેશનનો સેન્ટ્રલ કંટ્રોલ રૂમ 24 કલાક સતત કાર્યરત કરી દેવામાં આવશે.

ચોમાસા દરમિયાન સર્જાનારી કોઈપણ કટોકટીભરી પરિસ્થિતિને પહોંચી વળવા માટે વર્ગ-1 અને વર્ગ-2ના તમામ વરિષ્ઠ અધિકારીઓને સક્ષમ સત્તાધિકારીની પૂર્વ મંજૂરી વિના હેડક્વાર્ટર (વડોદરા શહેર) ન છોડવા માટે કડક આદેશ કરવામાં આવ્યા છે, જેથી ઈમરજન્સીના સમયે ત્વરિત અને અસરકારક પગલાં લઈ શકાય. ભારે વરસાદ, પૂર કે વાવાઝોડા જેવી કુદરતી આફતો સામે નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પાલિકા દ્વારા અલગ-અલગ વિસ્તારો માટે વિશિષ્ટ માઇક્રો એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
શહેરના જે નીચાણવાળા અને સંવેદનશીલ વિસ્તારોમાં અવારનવાર ભયજનક રીતે પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે, ત્યાં અત્યારથી જ આગોતરા આયોજનના ભાગરૂપે ડિવોટરિંગ પંપ ગોઠવી દેવાની સૂચના અપાઈ છે. આ સાથે જ શહેરની તમામ મુખ્ય ડ્રેનેજ લાઇન, મેનહોલ અને વરસાદી ગટરોની સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવાના આદેશ અપાયા છે, જેથી વરસાદી પાણીનો નિકાલ ઝડપથી થઈ શકે.
બીજી તરફ, વાવાઝોડા અને ભારે પવનના કારણે થનારું સંભવિત નુકસાન અટકાવવા માટે સમગ્ર વડોદરા શહેરમાં જોખમી મકાનો, ભયજનક વૃક્ષો (ટ્રી ટ્રિમિંગ) અને રસ્તાઓ પર લાગેલા મોટા હોર્ડિંગ્સનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. આવા જોખમી હોર્ડિંગ્સ સામે યોગ્ય કાનૂની અને સુરક્ષાત્મક પગલાં લેવામાં આવશે.
ભારે વરસાદ કે વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિમાં જો નાગરિકોનું આકસ્મિક સ્થળાંતર કરવું પડે, તો તે માટેના આશ્રય સ્થાનો અત્યારથી જ ચિહ્નિત કરી લેવામાં આવ્યા છે, જ્યાં પીવાનું શુદ્ધ પાણી અને પ્રાથમિક આરોગ્ય સેવાઓ અગાઉથી જ ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત, ઈમરજન્સી સ્થિતિમાં મદદરૂપ થઈ શકે તેવી ખાનગી હોસ્પિટલો, શાળાઓ તેમજ જેસીબી અને ટ્રેક્ટર જેવા ભારે મશીનરીના સંસાધનોની આદ્યતન યાદી પણ તંત્ર દ્વારા તૈયાર રાખવામાં આવી છે.


