- જાહેર માર્ગ પર કચરો અને ગંદુ પાણી છોડનાર સામે કાર્યવાહી, વેપારીઓ પાસેથી લેખિત બાંહેધરી લેવાઈ
- વોર્ડ 11માં બે એકમો સીલ કરાયા, વોર્ડ 8થી 12 સુધી વિવિધ સ્થળે દંડાત્મક કાર્યવાહી કરાઈ
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના ભાગરૂપે ગંદકી અને નિયમોના ઉલ્લંઘન સામે સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પશ્ચિમ ઝોન હસ્તકના વહીવટી વોર્ડ નંબર 08, 09, 10, 11 અને 12ના વોર્ડ ઓફિસર, સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટર તથા તેમના તાબા હેઠળના સ્ટાફની વિશેષ ટીમ બનાવીને સમગ્ર વિસ્તારમાં તપાસ તેજ કરવામાં આવી હતી. આ સઘન ચેકિંગ દરમિયાન જાહેર માર્ગો પર ગંદકી ફેલાવતા કોમર્શિયલ એકમો, હોટલ-રેસ્ટોરન્ટ તેમજ લારી-ગલ્લા ધારકો સામે કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.
સમગ્ર સપ્ટેમ્બર માસ દરમિયાન માત્ર પશ્ચિમ ઝોનમાંથી જ પાલિકા દ્વારા રૂ. 11,41,800 ની ભારી માતબાર દંડનીય રકમ વસૂલ કરવામાં આવી છે, જે પાલિકાની આક્રમક કામગીરી દર્શાવે છે. વોર્ડ વાઇઝ હાથ ધરાયેલી કાર્યવાહીની વિગતો આપતા પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 08 માં અલકાપુરી વિસ્તારમાં ભગવાન ચેમ્બર્સ ખાતે ચાલતી રિનોવેશનની કામગીરી દરમિયાન C&D વેસ્ટ જાહેર માર્ગ પર નાખવા બદલ સ્થળ પર જ રૂ. 10,000 નો દંડ વસૂલવામાં આવ્યો હતો. તેવી જ રીતે વોર્ડ નંબર 09 માં સેવાસી પોલીસ ચોકી રોડ પર પ્રોવિઝન સ્ટોર અને લારી-ગલ્લા દ્વારા ગંદકી કરવા બદલ રૂ. 8,000 નો દંડ કરાયો હતો.
સૌથી વધુ આકરી કાર્યવાહી વોર્ડ નંબર 10 માં થઈ હતી, જ્યાં શિવાલય કોમ્પ્લેક્સથી રામેશ્વર સર્કલ તથા તાંદલજાના મકરંદ દેસાઈ રોડ પર જાહેર માર્ગ પર કચરો નાખવા અને ગંદુ પાણી છોડવા બદલ 8 એકમો જેમાં હુકુમ રજવાડી ટી સ્ટોલ, બજરંગ ટી સ્ટોલ, સૂર્યા ડિલક્સ પાન, ન્યુ બોમ્બે ભઠિયારા, દિલ્હી બિરયાની, મદીના માટલા ચિકન, કોહીનોર ફેમિલી રેસ્ટોરન્ટ અને નાઈટ ડિનર રેસ્ટોરન્ટને સીલ મારી દેવાયા હતા. આ એકમો પાસેથી રૂ. 40,000 તથા ગોત્રીમાં ભંગારના વેપારી પાસેથી રૂ. 12,000 મળીને વોર્ડ 10 માં કુલ રૂ. 52,000 નો દંડ વસૂલાયો હતો.
આ ઉપરાંત વોર્ડ નંબર 11 માં સનફાર્મા અને દિવાળીપુરા રોડ પર તપાસ કરીને રમેશભાઈ ક્રિષ્ના ભંડાર અને રચના ટ્રેડર્સ નામના 2 એકમો સીલ કરવામાં આવ્યા હતા તેમજ સંતોષીનગર ખાતે પાલિકાના પ્લોટમાં કચરો નાખવા બદલ દંડ કરીને કુલ રૂ. 25,000 ની પેનલ્ટી લેવામાં આવી હતી. વોર્ડ નંબર 12 માં બિનઅધિકૃત ટેન્ટ અને લારી-ગલ્લાઓ પાસેથી રૂ. 7,500 નો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ તમામ સીલ કરાયેલા એકમો પાસેથી ભવિષ્યમાં ગંદકી ન કરવાની લિખિત બાંહેધરી લીધા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા તમામ વેપારીઓ અને નાગરિકોને જાહેર સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં પણ જાહેર સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ સામે આવી જ કડક ઝુંબેશ ચાલુ રાખવાની સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે.


