રાજસ્થાનથી પરત ફરતાં વડોદરાના ખીનજી પરિવારનો અકસ્માત, ચાર સભ્યના મોત, એકનો આબાદ બચાવ

કાલોલ નજીકથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ગતરોજ અકસ્માત સર્જાયો હતો

MailVadodara.com - Vadodara-Khinji-family-meets-with-accident-while-returning-from-Rajasthan-four-members-die-one-survives

- કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર ડિવાઈડર કૂદીને હાઈવેની બીજી તરફ જઈને ફંગોળાઈ

- નિક પોલીસ અને તંત્ર દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી


પંચમહાલ જિલ્લાના કાલોલ નજીકથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ગતરોજ (26 એપ્રિલે) એક અત્યંત કરુણ અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે જઈ રહેલી કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર ડિવાઈડર કૂદીને હાઈવેની બીજી તરફ જઈને ફંગોળાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર વડોદરાના ખીનજી પરિવારના ચાર સભ્યના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે એક વ્યક્તિનો આબાદ બચાવ થયો છે.


પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાનો ખીનજી પરિવાર રાજસ્થાન પ્રવાસથી પરત ફરી રહ્યો હતો. કાલોલ નજીક પહોંચતા જ કારની ગતિ વધુ હોવાથી ચાલકે વાહન પરનું નિયંત્રણ ગુમાવ્યું હતું, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. એક જ પરિવારના ચાર સભ્યના અકાળે અવસાનના સમાચાર મળતાં વડોદરામાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે.


આ અકસ્માતમાં જીવ ગુમાવનાર વ્યક્તિઓમાં સાજિદ ઇકબાલ ખીનજી (ઉંમર 55 વર્ષ), ઇલિયાસ ઇકબાલ ખીનજી (ઉંમર 50 વર્ષ), ઇશાક ઇકબાલ ખીનજી (ઉંમર 48 વર્ષ), રેહાન અજગર ખીનજી (ઉંમર 35 વર્ષ)નો સમાવશે થાય છે.


અકસ્માતની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને તંત્ર દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલમાં કાલોલ પોલીસ દ્વારા અકસ્માત અંગેનો ગુનો નોંધી, ઘટનાના ચોક્કસ કારણો અને અન્ય વિગતો મેળવવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Share :

Leave a Comments