- આ કાર્યવાહીમાં આટા, સીંગતેલ, મરચું પાવડર, પનીર ટિક્કા મસાલા, સેવ અને તેલવાળી તુવેરદાળ સહિત કુલ 6 ખાદ્ય પદાર્થોના નમૂના પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી અપાયા
- આકસ્મિક તપાસનું અભિયાન આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે
વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખા દ્વારા શહેરમાં ખાદ્ય સુરક્ષા અંગે સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરમાં ફૂડ સેફ્ટી ઓફિસરોની બે ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં 20 જેટલા ખાદ્ય વ્યવસાય એકમોનું આ કાર્યવાહીમાં શંકાસ્પદ ખાધ્ય પદાર્થના નમૂના લેવામાં આવ્યા હતા. આ સાથે ગત રાત્રે સમા સમરસ હોસ્ટેલમાં થયેલા હોબાળા બાદ સેમ્પલ લેવામાં આવ્યા છે.
ખોરાક શાખાની ટીમે શહેરના અલકાપુરી, ન્યૂ સમા રોડ, દાંડિયા બજાર, પ્રતાપનગર, કારેલીબાગ, વાઘોડિયા રોડ, પરિવાર ચાર રસ્તા, વૃંદાવન ચાર રસ્તા, ગોરવા, સમતા સહિતના વિસ્તારોમાં આવેલી હોટેલ, રેસ્ટોરન્ટ, કેન્ટીન, કેટરિંગ યુનિટ, ઉત્પાદક પેઢી અને રિટેલર્સના કુલ 20 ખાદ્ય વ્યવસાય એકમોનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું.
આ કાર્યવાહી દરમિયાન આટા, સીંગતેલ, મરચું પાવડર, પનીર ટિક્કા મસાલા, સેવ અને તેલવાળી તુવેરદાળ સહિત કુલ 6 ખાદ્ય પદાર્થોના નમૂના લઈને પૃથ્થકરણ માટે વડોદરા પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. ખાસ નોંધનીય બાબત એ છે કે ન્યૂ સમા રોડ પર આવેલી બોયઝ હોસ્ટેલની કેન્ટીન તથા બોયઝ હોટેલમાં પણ વિગતવાર તપાસ કરવામાં આવી હતી અને ત્યાંથી પણ નમૂના લેવામાં આવ્યા છે. આ નમૂના પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે.
મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, શહેરમાં ખાણી પીણીની લારીઓ, હોટેલ-રેસ્ટોરન્ટ તથા અન્ય તમામ ખાદ્ય વ્યવસાય સ્થળોએ આવી આકસ્મિક તપાસનું અભિયાન આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે, જેથી નાગરિકોને સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે.


