- જૂના કેસો અને બાકી ટ્રાફિક ઈ-ચલણના ભારણમાંથી મુક્તિ મેળવવાની સુવર્ણ તક
વડોદરા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા શહેર અને જિલ્લાની વિવિધ અદાલતોમાં આગામી 14 માર્ચ 2026, શનિવારના રોજ આ વર્ષની પ્રથમ 'મેગા નેશનલ લોક અદાલત'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. નેશનલ લીગલ સર્વિસિસ ઓથોરીટી અને ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસિસ ઓથોરીટીના માર્ગદર્શન હેઠળ, વડોદરાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ જજ અને ડિસ્ટ્રિકટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેનની અધ્યક્ષતામાં આ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ લોક અદાલતનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષોથી પડતર કેસોનો પરસ્પર સમાધાન દ્વારા ઝડપી નિકાલ લાવવાનો છે.
આ મેગા લોક અદાલતમાં પક્ષકારોના હિતને ધ્યાનમાં રાખીને અનેકવિધ કાયદાકીય ગૂંચવણોનો ઉકેલ લાવવામાં આવશે. જેમાં મુખ્યત્વેફોજદારી સમાધાન લાયક ગુનાઓ અને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 (ચેક રિટર્ન) ના કેસો, નાણાકીય વસૂલાત, મજૂર તકરાર અને જમીન સંપાદન રેફરન્સના કેસો, વીજળી અને પાણીના બિલો (નોન-કંપાઉન્ડેબલ સિવાયના), લગ્ન વિષયક તકરાર (છૂટાછેડા સિવાયના) અને મહેસૂલી કેસો, નોકરી વિષયક પગાર, ભથ્થા અને નિવૃત્તિના લાભોના કેસો, ભાડા તકરાર, સુખાધિકાર અને મનાઈ હુકમ જેવા દીવાની દાવાઓ
વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે આપવામાં આવેલા ઈ-ચલણની બાકી રકમ ભરવા માટે પણ આ લોક અદાલત આશીર્વાદરૂપ સાબિત થશે. વાહન ચાલકો ઓનલાઈન અથવા ઓફલાઈન (પોલીસ ભવન આસાન કેન્દ્ર કે નાયબ પોલીસ કમિશનરની કચેરી, કારેલીબાગ) માધ્યમથી દંડ ભરી શકશે. આ તબક્કે ચલણની ચુકવણી કરવાથી ભવિષ્યમાં થનારી કાયદાકીય કાર્યવાહીથી બચી શકાશે.
સેક્રેટરીની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ, જે પક્ષકારો પોતાનો કેસ લોક અદાલતમાં મૂકવા માંગતા હોય, તેઓ જે-તે અદાલત અથવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, વડોદરા તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરી શકે છે. લોક અદાલતમાં કેસનો નિકાલ થવાથી બંને પક્ષોનો સમય અને નાણાં બચશે તથા મનદુઃખ વગર ન્યાય મળશે.


