- અમદાવાદની ઘટના બાદ સ્કૂલ સેફટી પોલીસી-2016 અનુસંધાને રાજ્યની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની સલામતી અને શિસ્ત જાળવવા નવી સૂચનાઓ જાહેર કરાઇ
- તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓને કડક માર્ગદર્શિકાનું પાલન કરવા આદેશ
અમદાવાદની સેવેંથ ડે શાળામાં બનેલી અત્યંત દુખદ ઘટના બાદ સમગ્ર ગુજરાતનું શિક્ષણ જગત સ્તબ્ધ છે. એક સામાન્ય ઝઘડામાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કર્યો અને તેનું કરુણ મોત થયું હતું. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડોદરા જિલ્લા શિક્ષણ વિભાગ હવે વધુ સતર્ક બન્યો છે અને શહેર-જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓને કડક માર્ગદર્શિકાનું પાલન કરવાના આદેશ કર્યો છે. શાળાઓમાં વિદ્યાર્થીઓની બેગની અચાનક અને નિયમિત તપાસ શરૂ કરવામાં આવે તેવી સૂચનાઓ વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી અને શાસનાઅધિકારી દ્વારા જાહેર કરાઈ છે.

અમદાવાદની ઘટના બાદ સ્કૂલ સેફટી પોલીસી-2016 અનુસંધાને રાજ્યની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની સલામતી અને શિસ્ત જાળવવા નવી સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. જેના ભાગ રૂપે વડોદરાની સરકારી, ગ્રાન્ટેડ, પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તમામને સૂચનાઓ જારી કરવામાં આવી છે. સાથે શાળાઓએ શિસ્ત સમિતિની રચના કરવી પડશે, જેમાં આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થી પ્રતિનિધિઓ (મોનિટર/જી.એસ. સભ્ય)નો સમાવેશ થશે. આ સમિતિ શાળા પરિસર, રમતના મેદાન અને આવાગમનના સમયે સલામતીની ખાતરી કરશે.
શિક્ષકની ગેરહાજરીમાં વિદ્યાર્થીઓને વર્ગખંડમાં એકલા ન રહેવા દેવા અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં જોડવાનું રહેશે. આચાર્ય અને શિક્ષકોની નૈતિક જવાબદારી બાળકોની સલામતીને પ્રાથમિકતા આપવાની રહેશે. વધુમાં, સ્કૂલ બેગની આકસ્મિક ચકાસણી, વાલીઓને બેગ ચકાસણીની સૂચના અને અસાધારણ ઘટનાઓની તાત્કાલિક જાણ શિક્ષણ કચેરીને કરવાની રહેશે. આ સૂચનાઓનું ચૂસ્તપણે પાલન કરવા અંગે એક પત્ર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જારી કરવામાં આવ્યો છે.


