- વર્ષ 2016માં આરોપી આનંદરાજ ડેવિન્ડ્રુનાથન એન્થની વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં 1 કરોડથી વધુની કિંમતનું લોખંડનું મટિરિયલ ખરીદીને તેની રકમ ચૂકવ્યા વિના ફરાર થઈ ગયો
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 10 વર્ષથી નાસતા ફરતા એક આરોપીને કચ્છ જિલ્લામાંથી શોધી કાઢ્યો છે. આ આરોપી વર્ષ 2016માં વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં 1 કરોડથી વધુની કિંમતનું લોખંડનું મટિરિયલ ખરીદીને તેની રકમ ચૂકવ્યા વિના ફરાર થઈ ગયો હતો.
વડોદરા ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ આર. જી. જાડેજા અને પીઆઇ એચ. ડી. તુવરની આગેવાની હેઠળ પીએસઆઈ જે. એ. રહેવર અને પીએસઆઈ વી. પી. ચૌહાણ સહિતની ટીમે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે શોધખોળ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન આરોપી આનંદરાજ ડેવિન્ડ્રુનાથન એન્થની (ઉંમર 63 વર્ષ) હાલ કચ્છ જિલ્લાના સામખીયાળી વિસ્તારમાં હોવાની બાતમી મળી હતી.

વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક કચ્છ પહોંચી ખાનગી રીતે સતત નિરીક્ષણ કર્યું અને આરોપીને ધરપકડ કરી લીધી. આરોપીને વડોદરા લાવીને માંજલપુર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2016માં નોંધાયેલા ગુનાની વધુ તપાસ માટે સોંપવામાં આવ્યો છે.
વર્ષ 2016માં વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ધવલ એપાર્ટમેન્ટ ખાતે આવેલી અમર સ્ટીલ સપ્લાયર્સની ઓફિસમાંથી આરોપી આનંદરાજ ડેવિન્ડ્રુનાથન એન્થની (રહે. લક્ષ્મી લે આઉટ હોસુર, શાંતિનગર, ક્રિષ્ણગિરી, તમિલનાડુ, હાલનું સરનામું લકડીયા ગામ, જિ. કચ્છ)એ વેપારના નામે લોખંડનું મટિરિયલ લીધું હતું. મટિરિયલની કુલ કિંમત 1,03,48,579 રૂપિયા હતી. આ રકમ ચૂકવ્યા વિના આરોપીએ તેની કંપની અને મકાન બંધ કરી ફરાર થઈ ગયો હતો, જેનાથી ફરિયાદી અને સાહેદો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી.


