- પાણીગેટ જુનીગઢી વિસ્તારમાં આરોપી પોતાની કારમાં ઈ-સિગારેટનું છૂટક વેચાણ કરતો હતો
- અકોટા વિસ્તારની કુરિયર ઓફિસમાં તપાસ કરતા ત્યાંથી બીજા 30 નંગ ઈ-સિગારેટ મળ્યાં, પોલીસે ઈ-સિગારેટનો જથ્થો, કાર-મોબાઈલ મળીને 7 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો

વડોદરા શહેરમાં પ્રતિબંધિત નશીલા પદાર્થોના વેચાણ વિરુદ્ધ પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે, ત્યારે ઈન્સ્ટાગ્રામ પર ઓર્ડર મેળવી ગેરકાયદે ઈ-સિગારેટ વેચતા એક યુવકની વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી વિદેશી બનાવટની ઈ-સિગારેટનો જથ્થો, લક્ઝરી કાર અને મોબાઈલ મળીને 7 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.


વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, ફૈઝલ સલીમભાઈ શેખ (ઉંમર 19 વર્ષ, રહે. જેનમ મંઝીલ, યાકુતપુરા, વડોદરા) નામનો શખ્સ પાણીગેટ જુનીગઢી વિસ્તારમાં પોતાની કારમાં પ્રતિબંધિત ઈ-સિગારેટ રાખીને છૂટક વેચાણ કરી રહ્યો છે. આ શખ્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ઈન્સ્ટાગ્રામ' દ્વારા ગ્રાહકોના સંપર્કમાં રહી આ વ્યવસાય કરતો હતો. આ બાતમીના સ્થળે દરોડો પાડતા પોલીસને આરોપીની કારમાંથી `મેડ ઇન ચાઇના' બનાવટની અલગ-અલગ ફ્લેવરની 46 નંગ ઈ-સિગારેટ મળી આવી હતી.



પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે, તે આ જથ્થો મુંબઈના અમનખાન નામના વ્યક્તિ પાસેથી કુરિયર મારફતે મંગાવતો હતો. પોલીસે અકોટા વિસ્તારની એક કુરિયર ઓફિસમાં તપાસ કરતા ત્યાંથી બીજા 30 નંગ ઈ-સિગારેટ મળી આવ્યા હતા. આમ, કુલ 76 નંગ ઈ-સિગારેટ કિંમત આશરે 1,80,500, મારુતિ બલેનો કાર, આઈફોન મળી કુલ 7,10,500 મુદ્દામાલ કબજે કર્યો હતો.


