ઇન્દોરના દુષ્કર્મના ગુનામાં 8 મહિનાથી ફરાર આરોપીની વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી

આરોપી અને ભોગ બનનાર યુવતીએ 10થી 11 મહિના અગાઉ ફોન પર વાતચીત કરી હતી

MailVadodara.com - Vadodara-Crime-Branch-arrests-accused-in-Indore-rape-case-who-was-absconding-for-8-months

- દુષ્કર્મ બાદ ફરાર આરોપીને પકડવા મધ્યપ્રદેશ પોલીસ દ્વારા 2 હજારનું ઇનામ જાહેર કરાયું હતું

વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશના ઇન્દોર શહેરના લસુંડીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દુષ્કર્મના ગંભીર ગુનામાં 8 મહિનાથી ફરાર અને 2,000 રૂપિયાનું ઇનામ જાહેર થયેલ આરોપી ભરત પ્રકાશચંદ્ર ચેનાણી (ઉં.વ. 34), (રહે. સમૃદ્ધિ સાફલ્ય ફ્લેટ, યમુનામિલ સામે, સોમા તળાવ મેઇન રોડ, વડોદરા)ની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.


વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીદાર પાસેથી માહિતી મેળવી કે, આરોપી ભરત ચેનાણી મહાનગર વુડા પાસે નારાયણનગર તરફ જતા રોડ પર ઉભેલો છે. ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને સ્થળ પરથી ઝડપી પાડ્યો હતો. આરોપીએ મેટ્રોમોનીયલ વેબસાઇટ પર પ્રોફાઇલ બનાવી હતી, જ્યાં ભોગ બનનાર છોકરીની પ્રોફાઇલ સાથે મેચ થયું હતું. બંનેએ 10થી 11 મહિના અગાઉ મોબાઇલ ફોન પર વાતચીત શરૂ કરી હતી.

લગભગ બે મહિનાના સંપર્ક બાદ આરોપી ઇન્દોર ખાતે ભોગ બનનારને મળવા ગયો હતો અને બે દિવસ હોટલમાં રોકાયો હતો. ત્યારબાદ બંને વચ્ચે ઝઘડો થતાં આરોપીએ છોકરીનો મોબાઇલ નંબર બ્લોક કરી દીધો હતો. જેથી, ભોગ બનનારે ઇન્દોરના લસુંડીયા પોલીસ સ્ટેશનમાં લગ્નની લાલચે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ ગુનો નોંધાયા બાદ આરોપી ફરાર થઇ હતો અને મધ્યપ્રદેશ પોલીસે તેના પર 2,000 રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું.

ભરત ચેનાણી અગાઉ 2022માં ડી.સી.બી. પોલીસ સ્ટેશન, વડોદરામાં ક્રિકેટ સટ્ટાના જુગારના કેસમાં પકડાયેલો છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે અને ઇન્દોરના લસુંડીયા પોલીસ સ્ટેશનને જાણ કરીને વધુ તપાસ માટે આરોપીને સોંપી દીધો છે.

Share :

Leave a Comments