વડોદરા કોર્પોરેશન દ્વારા બે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સહિત 36 સ્થળે 11મા વિશ્વ યોગ દિવસની ઉજવણીનું આયોજન

એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ થીમ ઉપર જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ વરણામા ખાતે યોજાશે

MailVadodara.com - Vadodara-Corporation-organizes-11th-World-Yoga-Day-celebrations-at-36-locations-including-two-sports-complexes

- તા. 21 જૂનના રોજ 11મા આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ નિમિત્તે વડોદરા શહેર અને જિલ્લાના વિવિધ સ્થળો ઉપર સામૂહિક યોગાભ્યાસનું આયોજન કરવામાં આવ્યું

તા. 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે વડોદરા શહેર અને જિલ્લાના વિવિધ સ્થળો ઉપર સામૂહિક યોગાભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ વરણામા ખાતે રાખવામાં આવ્યો છે. જ્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા બે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સહિત 36 સ્થળો ઉપર 11મા વિશ્વ યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોગ દિવસની ઉજવણી એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ થીમ ઉપર થશે.


કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે, એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ થીમ હેઠળ જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ વરણામા ખાતે યોજાશે, જેમાં 2500થી વધુ લોકો સહભાગી થશે. આ ઉપરાંત જિલ્લાના તમામ તાલુકા મથકો, નગરપાલિકા સહિત પૌરાણિક સ્થળોએ પણ યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. તદુપરાંત શાળા-કોલેજો, સંસ્થાઓ અને ગ્રામ પંચાયતોમાં પણ સ્વૈચ્છિક સંગઠનો અને નાગરિકોના સહિયારા પ્રયાસોથી સામૂહિક યોગાભ્યાસ થશે.

વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, વડોદરા કોર્પોરેશન દ્વારા પણ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષે પણ 21મી જૂને એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગની થીમ ૫ર યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડોદરા મહાનગરપાલિકા તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વડોદરા શહેરમાં પણ વિવિધ સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક, ઔદ્યોગિક, રમત-ગમત સંસ્થાઓ, તેમજ શહેરીજનોના સાથ અને સહયોગથી 21મી જૂને શહેરના સમા સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે મુખ્ય કાર્યક્રમ અને અન્ય ઝોન વાઈઝ જુદા-જુદા કુલ 19 વોર્ડમાં અલગ-અલગ સ્થળો ૫ર અને કુલ-2 મોટા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, અતિથિગૃહો,સરકારી કચેરીઓ, જન આરોગ્ય કેન્દ્રો, મોટા ગાર્ડન તેમજ જુદી-જુદી ઐતિહાસિક ઈમારતો વગેરે જેવા કુલ 36 સ્થળો ૫ર શહેરની વિવિધ એન.જી.ઓ અને યોગ સંસ્થા અને નગરજનોના સહયોગથી 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવશે.

Share :

Leave a Comments