- અલકાપુરીમાં 70 કાર પાર્ક થઇ શકે તેવી મલ્ટી લેવલ પાર્કિંગની સુવિધા ઉભી કરવાનું આયોજન
- પાલિકાએ વર્ષ 2022માં પાર્કિંગ પોલિસી સરકારમાં મોકલી હતી, પરંતુ હજુ અમલમાં મુકાઈ નથી
વડોદરા શહેરમાં વાહનોની સંખ્યા વધતા દિવસે અને દિવસે પાર્કિંગની સમસ્યાં વધુ વિકટ બની રહી છે. શહેરમાં 12 લાખથી વધુ વાહનો છે, ત્યારે પાર્કિંગની સમસ્યા હલ કરવા માટે વડોદરા કોર્પોરેશનમાં બેઠક મળી હતી. આ બેઠકમાં ટ્રાફિક શાખાના અધિકારી સહિત પાલિકા અને પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોર્પોરેશન દ્વારા પાલિકા હસ્તકના ફાઇનલ 24 પ્લોટોમાં પે એન્ડ પાર્કની સુવિધા ઉભી કરવા કવાયત હાથ ધરી છે. આ ઉપરાંત અલકાપુરીમાં 70 કાર પાર્ક થઇ શકે તેવી મલ્ટી લેવલ પાર્કિંગની સુવિધા ઉભી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, શહેરના ચાર દરવાજા વિસ્તારમાં યોગ્ય પાર્કિંગની સુવિધાઓ ન હોવાથી લોકોને પાર્કિંગ કરવામાં પણ તકલીફ પડતી હોય છે. શહેરના વિવિધ સ્થળો પર રહેતા લોકો અને નોકરીયાત વર્ગ માટે મલ્ટીલેવલ પાર્કિંગ તેમજ પાર્કિંગ માટે અલગથી પ્લોટ ન ફળવાતા લોકો રામભરોસે ફુટપાથ પર પાર્કિંગ કરવા માટે મજબુર બન્યાં છે. પાલિકાએ વર્ષ 2022માં પાર્કિંગ પોલિસી સરકારમાં મોકલવામાં આવી હતી, પરંતુ આ પાર્કિંગ પોલીસીને હજુ સુધી અમલમાં મુકાઈ નથી. જોકે, પાલિકા દ્વારા વિકટ બની રહેલી પાર્કિંગની સમસ્યા હલ કરવા કાર્યવાહી હાથ ધરી છે.
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેરએ વધુમાં જણાવ્યું હતું કે, વડોદરાનો હદ વિસ્તાર 220 ચોરસ મીટરનો છે. વાહનોની સંખ્યા વધવા સાથે પાર્કિંગની સમસ્યા વધી રહી છે. આથી આ સમસ્યા હલ કરવા માટે પાલિકા હસ્તકના TP ના ફાઇનલ પ્લોટો પૈકી 24 પ્લોટો ઉપર પે એન્ડ પાર્ક નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 70 કાર પાર્કિંગ થઇ શકે તેવું અલકાપુરીમાં મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આવનાર દિવસોમાં ચારે ઝોનમાં મલ્ટીલેવલ પાર્કિંગનું આયોજન કરવામાં આવ્યું છે.
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેરએ જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા 100 ઉપરાંત પ્લોટો પાર્કિંગ અને લારીઓ માટે નક્કી કરવામાં આવ્યા છે. જે પૈકી 50 જેટલા પ્લોટ પાર્કિંગ માટે ઉપયોગમાં લેવામાં આવશે. પે એન્ડ પાર્કની સુવિધા પ્રાથમિકતાના ધોરણે આયોજન કરવામાં આવશે. આવનાર સમયમાં મલ્ટીલેવલ પાર્કિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, તાજેતરમાં વડોદરા વેપાર વિકાસ એસોસિયેશન દ્વારા પાર્કિંગનો પ્રશ્ન હલ કરવા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પણ આપ્યું હતું. તેમણે પદ્માવતી શોપિંગ કોમ્પ્લેક્સની નીચે આવેલી વિશાળ જગ્યાને સાફ કરાવી તેમાં પાર્કિંગ કરાવવા તેમજ ભવિષ્યમાં શોપિંગ સેન્ટર તોડવામાં આવે તો આ સ્થળે મલ્ટીલેવલ પાર્કિંગ બને તેવી પણ માગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, જમીન મિલકત શાખા (કોમર્શિયલ) તરફથી પાલિકા હસ્તકના 24 ફાઇનલ પ્લોટ ઉપર પે એન્ડ પાર્ક માટે મંજૂરી માટે આવેલી દરખાસ્તને સ્થાયી સમિતિ દ્વારા મંજૂરી પણ આપી દેવામાં આવી છે. સ્થાયી સમિતિ દ્વારા મંજૂરી મળ્યા બાદ પે એન્ડ પાર્ક માટેની પોલિસી બનાવવાના કામની દરખાસ્ત આગામી 20 ઓગસ્ટે મળનારી સામાન્ય સભાની મંજૂરી માટે આવી છે.


