- રાજ્યના શ્રેષ્ઠ ચૂંટણી સંચાલન અને મતદાર જાગૃતિના અથાક પ્રયાસો બદલ આ પુરસ્કાર એનાયત કરાશે, કાલે 25 જાન્યુઆરીએ રાજ્યમાં 15મો રાષ્ટ્રીય મતદાતા મહોત્સવ ઉજવાશે
વડોદરા જિલ્લા માટે ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાષ્ટ્રીય મતદાતા દિન નિમિત્તે જાહેર કરવામાં આવતા પ્રતિષ્ઠિત બેસ્ટ ઇલેક્ટોરોલ પ્રેક્ટિસ 2025 એવોર્ડ માટે વડોદરાના કલેક્ટર ડો. અનિલ ધામેલિયાની પસંદગી કરવામાં આવી છે. રાજ્યના શ્રેષ્ઠ ચૂંટણી સંચાલન અને મતદાર જાગૃતિના અથાક પ્રયાસો બદલ તેમને આ પુરસ્કાર એનાયત કરવામાં આવશે.
આગામી તા. 25-01-2026 ના રોજ રાજ્યમાં 15 મો રાષ્ટ્રીય મતદાતા મહોત્સવ ઉજવવામાં આવશે. આ પ્રસંગે ગાંધીનગરના સેક્ટર-26 સ્થિત સ્પીપા (SPIPA) કેમ્પસ ખાતે સવારે 11 કલાકે રાજ્યસ્તરીય કાર્યક્રમનું આયોજન કરાયું છે. ગુજરાતના માનનીય રાજ્યપાલશ્રીના હસ્તે ડો. ધામેલિયાને આ સન્માન અર્પણ કરવામાં આવશે.

રાજ્યભરના વિવિધ જિલ્લાઓ દ્વારા કરવામાં આવેલી ચૂંટણીલક્ષી કામગીરીનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયાનું અસરકારક વ્યવસ્થાપન, ટેકનોલોજીનો ઉપયોગ અને નવીનતમ પ્રયોગો દ્વારા મતદારોમાં જાગૃતિ લાવવા માટે ડો. અનિલ ધામેલિયાની કામગીરી ઉડીને આંખે વળગી હતી. ખાસ કરીને યુવા અને નવા મતદારોને લોકશાહીના પર્વમાં જોડવા માટેના તેમના પ્રયાસોને રાજ્ય કક્ષાએ બિરદાવવામાં આવ્યા છે.
આ એવોર્ડ માત્ર એક વ્યક્તિનું સન્માન નથી, પરંતુ સમગ્ર વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકશાહીને મજબૂત કરવા માટે કરવામાં આવેલી સામુહિક મહેનતનું પરિણામ છે.


